હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટના આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા

05:54 PM Jan 06, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં જ સાઉથ બોપલ વિસ્તારમાં બંદુકની અણિએ  જ્વેલર્સની પેઢીમાં ઘૂંસીને લૂંટારૂ શખસોએ 50 લાખથી વધુ સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આ બનાવ બાદ અમદાવાગ રૂરલ એલસીબી અને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરીને 200 જેટલા સીસીટીવીના કૂટેજ તપાસીને લૂંટારૂ સુધી પહોંચવા મથામણ કરી હતી. આ બનાવમાં આરોપીઓ સુધી પહોંચવા હ્યુમન સોર્સિસ અને મોબાઈલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી હતી. અને ઉત્તર પ્રદેશમાંથી લૂંટારૂ ગેન્ગના 10 આરોપીઓને દબોચી લીધા હતા.

Advertisement

અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. લૂંટારૂ ગેન્ગે ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં ત્રાટકી સોનાના દાગીનાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ, એફએસએલ અને ડોગ સ્કવોર્ડ સહિતનો કાફલો દાડી આવ્યો હતો. પણ હેલ્મેટધારી લૂંટારૂનો કાઈ જ અત્તોપત્તો મળ્યો નહતો. બાદમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી. આ મામલે પોલીસે યુપીથી લૂંટારુઓ સહિત કુલ 10 આરોપીઓની અટકાયત કરી છે. યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. લૂંટારૂઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે ટીપ આપી હોવાનું કહેવાય છે.

અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામનો શો-રૂમ ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે.  ગત 2જી જાન્યુઆરીના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બન્ને જવેલર્સ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યુ હતુ. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા.ગણતરીની મિનિટમાં લૂંટારૂઓએ બંદૂકના નાળચે 50 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને નાસી છુટ્યા હતા. લૂંટારૂઓએ શો-રૂમમાં ઘુસીને ભરતભાઇ અને મનસુખભાઇના મોબાઇલ ફોન પણ ઝુંટવી લીધા હતા.

Advertisement

પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા માટે 200થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા અને જેના આધારે કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી. આ લૂંટ કેસનો ભેદ ઉકેલવામાં સ્થાનિકોએ પણ પોલીસને ઘણો સહકાર આપ્યો હતો. લૂંટારૂઓ લૂંટ કરવા માટે આવ્યા ત્યારે એટલા ગભરાયેલા હતા કે તેઓ માત્ર ડીસ્પલેમાં રાખેલા દાગીના લૂટ્યા હતા. જો લૂંટારૂઓએ ગભરાયેલા ના હોત તો કદાચ શો-રૂમમાં રહેલા 4.80 કરોડ રૂપિયાના દાગીના પણ ચોરાઇ ગયા હોત. પોલીસે દુકાનની આસપાસના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસતા આ ગેંગના લોકોના મોંઢા સ્પષ્ટ થયા હતા. આ ટોળકી બોપલના કાચા રસ્તેથી ભાગી હતી જેના કારણે આગળના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નહોતા.

પોલીસ સૂત્રોમાં જાણવા મળતી વિગત મુજબ જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે લૂંટારૂઓને ટીપ આપી હતી. સિક્યોરીટી ગાર્ડ લૂટારૂઓને ઓળખતો હતો જેથી તેણે ફોન કરીને લૂંટ કરવા માટે બોલાવી લીધા હતા. સિક્યોરીટી ગાર્ડે લૂંટારૂઓને સાથ આપીને આખુ કાવતરૂ ઘડ્યુ હતુ. પોલીસે સિક્યોરીટી ગાર્ડની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે કબુલાત કરી લીધી છે. સિક્યુરીટી ગાર્ડે લૂંટ કોણે કરી અને તે ક્યાના રહેવાસી છે તેની તમામ વિગતો આપી દેતા પોલીસની એક ટીમ યુપી પહોંચીને  લૂટારૂ શખસોને દબોચી લીધા હતા. લૂટારૂ શખસોને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે.

Advertisement
Tags :
accused arrested in UPahmedabadSouth Bhopal robbery
Advertisement
Next Article