લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાશે
નવી દિલ્હીઃ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાવાની છે. આ મેચનું આયોજન લખનઉના હોમ ગ્રાઉન્ડ અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં કરવામાં આવી છે. સતત પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી MS ધોનીના કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની બાકીની સીઝન માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. IPLમાં રવિવારે બે મેચ રમાઈ હતી.. જેમાં પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને બેંગલુરુ વચ્ચે યોજાઇ હતી.. જેમાં RCB 9 વિકેટની મેચ જીતી ગયું હતું.. તો બીજી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાઈ હતી.. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને તેમના જ હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમ પર 12 રનથી હરાવીને વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને હરાવનારી પ્રથમ ટીમ બની છે દિલ્હી, જેણે આ પહેલા રમાયેલી પોતાની ચારેય મેચોમાં શાનદાર જીત મેળવી હતી, તેને આ મેચમાં સિઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. તો, IPLમાં આજે લખનઉ અને ચેન્નાઈ વચ્ચે સાંજે 7: 30 કલાકે મેચ શરૂ થશે..
ચેન્નાઈ માટે મુશ્કેલી પરિસ્થિતિ
CSKના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નથી અને KKR સામે તેમના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓપનર રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે બે સારા બેટ્સમેન છે, પરંતુ તેમની પાસેથી પહેલા બોલથી આક્રમક બેટિંગની અપેક્ષા રાખવી તેમની રમત શૈલીની વિરુદ્ધ છે. ગાયકવાડના સ્થાને ત્રીજા નંબરે આવનાર રાહુલ ત્રિપાઠી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હશે. ટીમને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સારા પ્રદર્શનની પણ જરૂર છે. શિવમ દુબેને પાવર-હિટિંગના મોરચે વધુ સપોર્ટની જરૂર છે અને તે કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ ધોની પોતે છે.
શું CSK એક વધારાના બેટ્સમેનને મેદાનમાં ઉતારશે?
ચેન્નાઈ પાસે મથીષા પથિરાનાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવાનો સારો વિકલ્પ હશે. CSKની બેટિંગ સારી રહી નથી અને આવી સ્થિતિમાં તેઓ વધારાના બેટ્સમેન સાથે રમવાનું વિચારી શકે છે. લખનઉ સુપર જાયન્ટ્સના ટોપ ઓર્ડર બેટ્સમેન નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં છે અને પથિરાના તેમના માટે પડકાર ઉભો કરી શકે છે. પથિરાનાએ પાંચ ઇનિંગ્સમાં ચાર વખત પૂરનને આઉટ કર્યો છે.
શું ઋષભ પંત ફરીથી ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરશે?
લખનઉ માટે ઓપનર મિશેલ માર્શ ગુજરાત ટાઇટન્સ સામે રમ્યો ન હતો. ટોસ દરમિયાન ઋષભ પંતે કહ્યું હતું કે, માર્શની પુત્રી બીમાર છે જેના કારણે તે ઉપલબ્ધ નથી. તે CSK સામે વાપસી કરી શકશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ જો માર્શ ટીમમાં પાછો ફરે છે તો તે હિંમત સિંહનું સ્થાન લેશે. શનિવારે ટોચના ક્રમમાં મિશેલ માર્શની ગેરહાજરીને કારણે ઋષભ પંતને ફોર્મમાં ચાલી રહેલા એડન માર્કરામ સાથે ઇનિંગની શરૂઆત કરવાની તક મળી હતી. પંતે ટોચના ક્રમમાં સારું પ્રદર્શન કર્યું છે.