For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

03:12 PM Dec 02, 2024 IST | revoi editor
સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો
Advertisement
  • સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા,
  • 1લી ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતુ.
  • દર વર્ષે 1લી ડિસેમ્બરનો દિન સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવાય છે

સોમનાથઃ  સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 1લી ડિસેમ્બરના રોજ 29 વર્ષ થતા સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન  સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 29'મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં ભક્તિભાવ પૂર્વક રીતે ઉજવાયો હતો.

Advertisement

દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો  સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો. 11 મે 1951 ના રોજ માત્ર ગર્ભગ્રહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ કુલ 44 વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ. ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995 ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ  શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણ ના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર  અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement