ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 13થી 15 નવેમ્બરે વલસાડના રાજચંદ્ર આશ્રમમાં યોજાશે
- મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો,
- શિબિરમાં સહભાગી થવા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો ટ્રેન દ્વારા વલસાડ જશે,
- ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય સહિતના વિવિધ વિષયો આવરી લેવાશે,
ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર આગામી 13 થી 15 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ આ શિબિરમાં સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વાર્ષિક ચિંતન શિબિરના આયોજનને ઓપ આપવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્ય શાસનના વહીવટને વધુ લોકાભિમુખ, પ્રજાહિત કેન્દ્રી બનાવીને ઇઝ ઓફ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિ વિકસાવવા આ સામૂહિક વાર્ષિક ચિંતન શિબિર 2003થી શરૂ કરાવેલી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક વ્યવસ્થામાં સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપતા આ વર્ષે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે.
રાજ્ય સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા યોજનારી 12મી વાર્ષિક ચિંતન શિબિર ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની કાયમી થીમ સાથે યોજાવાની છે.
આ વર્ષની ચિંતન શિબિરમાં સામૂહિક ચિંતન-મંથન માટેના જે વિષયોની સૂચિ તૈયાર કરવામાં આવી છે તેમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતિ, હરિત ઊર્જા અને પર્યાવરણ વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ત્રિદિવસીય ચિંતન શિબિર દરમિયાન અન્ય પ્રવૃત્તિઓ અંતર્ગત ટ્રેકિંગ, સાયકલિંગ, એડવાન્સ મેડીટેશન યોગ અને રાત્રી સમયે વિવિધ રમતો સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવાનું આયોજન કરવાનું વિચારાધિન છે.
આ શિબિરમાં સહભાગી થનારા શિબિરાર્થીઓ સમૂહમાં વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરીને તારીખ 13 નવેમ્બરે વલસાડ પહોંચશે અને શિબિર પૂર્ણ થયે પણ ટ્રેન મારફતે જ અમદાવાદ પરત આવશે.
શિબિરનો પ્રારંભ તા. 13 નવેમ્બર બપોરે ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા બેઠકો યોજવામાં આવશે અને તેમાં વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો યોજાશે.
આ 12મી ચિંતન શિબિરના સર્વગ્રાહી આયોજનને ઓપ આપવાના હેતુસર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સામાન્ય વહીવટના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને વહીવટી સુધારણા પ્રભાગના સચિવ સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.