ચાંદખેડામાં થારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક સહિત 5 પ્રવાસીઓને ઈજા
- થાર સાથે તેનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો
- પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ શરૂ કરી
- રિક્ષાચાલકને ગંભીક ઈજા થતા સિવિલમાં ખસેડાયો
અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ચાંદખેડા વિસ્તારમાં પેસેન્જરને લઈને જઈ રહેલી રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલા થારના ચાલક ટક્કર મારીને પલાયન થઈ ગયો હતો. જેના કારણે રિક્ષા ચાલક સહિત પેસેન્જર 5 પ્રવાસીઓ ઘવાયા હતા. રિક્ષા ચાલકને વધુ ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થારચાલક અકસ્માત બાદ નાસી જતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મણીપ્રભુ સ્કૂલ પાસે આજે સવારના સમયે પેસેન્જર ભરીને જઈ રહેલી રિક્ષાને એક અજાણ્યા થાર ચાલકે ટક્કર મારી હતી. ડ્રાઇવર અને પેસેન્જર સહિત કુલ પાંચ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતનો બનાવ બનતા જ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલકને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.