પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ ગાઢ જંગલોમાં છુપાયાની આશંકા
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગાર હાશિમ મુસા અને તેના સાથીઓ હજુ પણ કાશ્મીરમાં હાજર હોવાનું જાણવા મળે છે. 22 એપ્રિલના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, સુરક્ષા એજન્સીઓ કાવતરાખોરો અને આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે.
સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, આતંકવાદીઓ ગાઢ જંગલોમાં છુપાયેલા છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓને ઘેરવાની સંપૂર્ણ તૈયારીઓ છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આતંકવાદી મુસા અને તેના સાથીઓ યુરોપની આલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટ અને GPS વિના જંગલોમાં ટ્રેકિંગ માટે થઈ શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ ચીની લશ્કરી સંદેશાવ્યવહાર ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છે, જે મોટે ભાગે ચીની સેના દ્વારા પાકિસ્તાની સેનાને આપવામાં આવ્યું હશે અને હવે ISI દ્વારા આતંકવાદીઓ સુધી પહોંચ્યું છે. વિશ્વભરની અદ્યતન સેનાઓ આ ઉપકરણનો ઉપયોગ યુદ્ધ ક્ષેત્રથી કમાન્ડ સેન્ટર સુધી સંદેશાવ્યવહાર અને વિડિઓઝ મોકલવા માટે કરે છે.