જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે.
આ આતંકવાદી પ્રવૃતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમોએ સંયુક્ત રીતે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સોમવારે સવારે ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના અખનૂરના બતાલ ગામમાં શિવ મંદિર પાસે બની હતી. 32 ફિલ્ડ રેજિમેન્ટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી આતંકવાદ અને ઉગ્રવાદની પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ સમગ્ર દેશમાં તપાસ કરવામાં આવી રહી છે.