ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો; 3 અધિકારીઓના મોત
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા જ્યારે અન્ય છ વ્યક્તિ ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે, સવારે કરક જિલ્લાના બહાદુર ખેલ વિસ્તારમાં સ્થિત ચેકપોસ્ટ પર અજાણ્યા આતંકવાદીઓએ ચારે બાજુથી ગોળીબાર કર્યો હતા. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ પણ વળતો જવાબ આપ્યો હતો. બંને જૂથ વચ્ચે લગભગ બે કલાક સુધી અથડામણ ચાલી હતી. આ પછી આતંકવાદીઓ ભાગી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલ પોલીસકર્મીઓને કરક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણને પેશાવર રિફર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
એવું માનવામાં આવે છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. આમાંના મોટાભાગના હુમલાઓ માટે ટીટીપીને દોષી ઠેરવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આ હુમલાની નિંદા કરી અને માર્યા ગયેલા અધિકારીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ હુમલા માટે પાકિસ્તાની તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું.