પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય વાહન ઉપર આતંકવાદીઓનો હુમલો, 13 જવાનના મોત
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ ભાંગફોડની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય કાફલા ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો હતો. જેમાં 13 પાકિસ્તાની જવાનના મોત થયાનું જાણવા મળે છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન સ્થિત ખડ્ડી વિસ્તારમાં શનિવારે એક આત્મઘાતી હુમલાખોરે સૈન્ય કાફલાને નિશાનો બનાવીને બોમ્બથી ભરેલી ગાડીથી સૈન્યના વાહનને ટક્કર મારી દીધી હતી. જેના બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 13 પાકિસ્તાની સૈનિકોના મોત નિપજ્યાં હતા અને 24 ઘાયલ થયા છે, જેમાં 14 સામાન્ય નાગરિકનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, હુમલાખોરે 'માઇન રેઝિસ્ટન્ટ એમ્બુશ પ્રોટેક્ટેડ' (MRAP) વાહનને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની વસ્તીને પણ ભારે નુકસાન થયું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે બે ઘરની છત પણ પડી ગઈ હતી, જેના કારણે છ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.
જોકે, હજુ સુધી કોઈ સમૂહ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. પરંતુ, આ વિસ્તારમાં અવાર-નવાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા હુમલા કરવામાં આવે છે. જોકે, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે.