ભારતમાં પહેલગામ જેવો જ હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે આતંકીઓ
નવી દિલ્હીઃ અપ્રિલ મહિનામાં પહેલગામ ખાતે થયેલો આતંકી હુમલો હજી પણ લોકોના મનમાંથી ઉતર્યો નથી. તે હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા અનેક આતંકીઓને ઠાર માર્યા હતા. છતાંય આતંકી તત્વો પોતાની હરકતોમાંથી પાછળ નથી હટી રહ્યાં. ગુપ્ત અહેવાલ મુજબ આતંકી સંગઠનો ફરીથી પહેલગામ જેવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે.
અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર બાદથી કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરી, ડ્રોન દ્વારા નજર રાખવી અને સરહદ પારથી પુરવઠામાં વધારો નોંધાયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની અનેક યુનિટો LOC મારફતે જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ઘૂસી ગઈ છે. આ આતંકીઓને પાકિસ્તાનની ISI અને SSG (Special Services Group) તરફથી સહયોગ મળતો હોવાનો ખુલાસો થયો છે.
સૂત્રો મુજબ શમશેર લશ્કરનુ એક યુનિટ હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. આથી ફિદાયીન હુમલો અથવા હથિયાર સપ્લાયની શક્યતા વ્યક્ત થઈ છે. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) જેમાં ભૂતપૂર્વ SSG સૈનિકો અને આતંકીઓ સામેલ છે તેમને ફરીથી પાક અધિકૃત કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે નવા સરહદી હુમલાઓની યોજના તૈયાર થઈ રહી છે.
અહેવાલ મુજબ ઓક્ટોબર 2025માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં જમાત-એ-ઇસ્લામી, હિઝબુલ મુજાહિદીન અને ISIના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સ્લીપર સેલને ફરી સક્રિય કરવાના, જૂના કમાન્ડરોને નાણાં આપવાના અને ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે “જવાબી હુમલાની” યોજનાઓ બનાવવામાં આવી હતી.
આ બધા ખતરાને ધ્યાને રાખીને ભારતીય સેના અને ગુપ્તચર એજન્સીઓએ વધુ સતર્ક બની છે. અધિકારીઓએ સરહદી વિસ્તારોમાં નિરીક્ષણ અને પેટ્રોલિંગ વધાર્યું છે. વિશેષ રૂપે પહેલગામ, અનંતનાગ અને બરામુલા વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.