પાકિસ્તાનના દક્ષિણ વઝીરીસ્તાનમાં આતંકી હુમલો : 12 સૈનિકોના મોત, 4 ઘાયલ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. શનિવારે વહેલી સવારે દક્ષિણ વઝીરીસ્તાન જિલ્લામાં પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે લગભગ 4 વાગ્યે સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે ભારે હથિયારોથી બંને બાજુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો સુનિયોજિત અને તીવ્ર હતો કે સેનાને ભારે જાનહાનિ સહન કરવી પડી. હુમલાખોરો સૈન્યના હથિયારો અને સાધનો લઈને ફરાર થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ સ્વીકારી છે. તાજેતરના મહિનાઓમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલી આ સૌથી ઘાતકી ઘટના ગણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં પાકિસ્તાની સેનાએ મોટા પાયે ઓપરેશન ચલાવીને ટીટીપીને પીછેહઠ કરવા મજબૂર કર્યું હતું. પરંતુ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. ટીટીપી અને અફઘાન તાલિબાન અલગ સંગઠનો હોવા છતાં, તેમના ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે અફઘાનિસ્તાન તેની ધરતી પર કાર્યરત આતંકવાદીઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે, જે પછીથી પાકિસ્તાનમાં ઘાતકી હુમલાઓ કરે છે. જોકે, કાબુલ વહીવટીતંત્ર આ તમામ આક્ષેપોને નકારી રહ્યું છે.