પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો, 42 વ્યક્તિના મોત
લાહોરઃ પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 42 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ હુમલામાં એક પોલીસ અધિકારી અને 6 મહિલાઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલો પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં એક પેસેન્જર વાન પર થયો.
હુમલો કુર્રમના પારાચિનારથી કાફલામાં જઈ રહેલી પેસેન્જર વાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. પેસેન્જર વાન જ્યારે લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરીની પાસેથી પસાર થઈ ત્યારે પહેલેથી ઘાત લગાવીને બેસેલા આતંકીઓએ વાન પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. હુમલાની પુષ્ટિ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કરી.
જણાવી દઈએ કે, બુધવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર આતંકી હુમલામાં 12 સુરક્ષા કર્મી માર્યા ગયા હતા. હુમલાખોરોએ વિસ્ફોટક ભરેલા વાહનથી ચેક પોસ્ટને ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન છ હુમલાખોર પણ માર્યા ગયા હતા.
સેનાએ આ વાતની માહિતી નથી આપી કે તેની પાછળ કોણ હતું, પરંતુ એક ઈસ્લામી સંગઠન હાફિઝ ગુલ બહાદુરે તેની જવાબદારી લીધી છે. આ હુમલો બલૂચિસ્તાન વિદ્રોહિઓ વિરૂદ્ધ મોટા પ્રમાણમાં સૈન્ય અભિયાનને મંજૂરી અપાયા બાદ થયો છે.