મેનચેસ્ટરમાં યહૂદી ધાર્મિક સ્થળ પર આતંકી હુમલો, બેનાં મોત
મેનચેસ્ટર ખાતે હીટન પાર્ક હિબ્રુ કોન્ગ્રિગેશન સિનેગોગમાં યહૂદીઓના પવિત્ર ‘યોમ કિપ્પુર’ના દિવસે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંદિગ્ધ હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ગ્રેટર મેનચેસ્ટર પોલીસે શરૂઆતમાં આ ઘટનાને દૂર્ઘટના ગણાવી હતી, પરંતુ બાદમાં કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડે તેને આતંકી ઘટના જાહેર કરી હતી. સુરક્ષાકર્મી સહિત ઘણા લોકો ચાકુથી ઘાયલ થયા, જ્યારે કેટલાકને વાહનથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ‘ઓપરેશન પ્લેટો’ અમલમાં મૂક્યું અને બોમ્બ નિરોધક દળને સ્થળ પર બોલાવાયું હતું. બ્રિટિશ પ્રધાનમંત્રી કિઅર સ્ટાર્મરે ઘટનાને યહૂદી સમુદાય પર સીધો હુમલો ગણાવીને સુરક્ષા વધારવાની ખાતરી આપી હતી. દેશભરના સિનેગોગ ખાતે વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
પોલીસે હુમલાખોરની ઓળખ 35 વર્ષીય બ્રિટિશ નાગરિક તથા સિરિયન મૂળના જિહાદ અલ-શામી તરીકે કરી છે. તેણે કારથી લોકો કચડ્યા બાદ ચાકુથી હુમલો કર્યો હતો. તેને પહેરેલા શંકાસ્પદ વિસ્ફોટક જૅકેટની ચકાસણી બાદ બોમ્બ ન હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટનાની તપાસ હેઠળ અન્ય ત્રણ શંકાસ્પદ – બે પુરુષ અને એક મહિલાને આતંકી સડયંત્રના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. બકિંગહામ પેલેસે રાજા ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાની તરફથી શોક વ્યક્ત કર્યો છે, જ્યારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે પીડિત પરિવારોને સંવેદના વ્યક્ત કરી. ઇઝરાયલી દૂતાવાસે હુમલાને અત્યંત દુઃખદ ગણાવ્યો છે.