વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિની મુદત બજેટ સત્ર સુધી લંબાવાઈ
નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બજેટ સત્ર 2025ના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. લોકસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિટીએ આ સપ્તાહના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો. આ મામલે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલનું કહેવું છે કે, સમિતિના તમામ સભ્યો એ વાત પર સહમત છે કે જેપીસીનો કાર્યકાળ વધારવો જોઈએ.
સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે, સમિતિનો રિપોર્ટ લગભગ તૈયાર છે અને તે સમયસર ગૃહમાં મોકલવામાં આવશે. જો કે, વિપક્ષને તેની સામે વાંધો હતો. વિપક્ષ સમિતિનો કાર્યકાળ વધારવા માંગતો હતો. આ મામલે વિપક્ષી નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા હતા.
બુધવારે સમિતિની બેઠકમાં વિપક્ષના સભ્યોએ કમિટીની મુદત લંબાવવાની માગણી કરતાં હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો સભા અધવચ્ચે છોડીને વોકઆઉટ કરી ગયા હતા. તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે સમિતિનો મોટાભાગનો સમય માત્ર શાસક પક્ષ સાથે સંકળાયેલા લોકો સાથે ચર્ચા કરવામાં પસાર થતો હતો અને જે રાજ્યોમાં વકફ મિલકતોની સૌથી વધુ સંખ્યા છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. આ પછી, બુધવારે સંસદ ભવન એનેક્સીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક મળી. બેઠક બાદ બહાર આવેલા સાંસદોએ પુષ્ટિ કરી હતી કે સમિતિનો કાર્યકાળ વધારવા માટે સમજૂતી થઈ છે.