અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ ભારત સરકાર નિકાસકારો માટે લાવશે ખાસ પેકેજ
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં કડવાશ આવી ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવતાં તેનો સીધો પ્રભાવ હવે વેપાર પર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર નિકાસકારોને રાહત આપવા માટે એક ખાસ પેકેજ જાહેર કરવાની તૈયારી કરી રહી છે. જીએસટી દરોમાં ઘટાડા બાદ હવે નિકાસકારો માટે ગુડ ન્યૂઝ મળવાની શક્યતા છે.
ટેરિફને કારણે ભારતના અનેક સેક્ટર પર અસર પડી છે. કાપડ, દાગીના અને આભૂષણ સહિતના ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ ઘટી રહી છે. રિપોર્ટ મુજબ, સરકાર નાના અને મધ્યમ નિકાસકારોને સહાય આપવા માટે ખાસ પેકેજ લાવશે. આ પેકેજથી નિકાસકારોની લિક્વિડિટી સમસ્યા દૂર કરવાની અને વર્કિંગ કેપિટલ પરનો બોજ ઘટાડવાનો પ્રયત્ન થશે.
સરકાર ઈચ્છે છે કે જ્યારે નિકાસકારોને અન્ય વૈકલ્પિક બજાર ન મળે ત્યાં સુધી તેઓ ઉત્પાદન સરળતાથી ચાલુ રાખી શકે. સાથે જ ખાસ પેકેજ મારફતે સરકાર રોજગારોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. ચામડાં, ફૂટવેર, કેમિકલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ અને કૃષિ ક્ષેત્રે લાખો લોકો રોજગાર ધરાવે છે, જેમની આર્થિક સુરક્ષા માટે આ પગલું મહત્વપૂર્ણ ગણાય છે.
રિપોર્ટ મુજબ, આ પેકેજ કોવિડ-19 દરમિયાન MSME સેક્ટરને આપવામાં આવેલા ₹20 લાખ કરોડના રાહત પેકેજ જેવું હોઈ શકે છે. કોરોના મહામારી દરમ્યાન સરકારએ ઉદ્યોગોને સહારો આપ્યો હતો, હવે ફરીથી તે જ રીતનું સહાય પેકેજ લાવવાની યોજના બની રહી છે. સાથે જ સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે, જેના માટે બજેટમાં જાહેરાત થઈ હતી.
તાજેતરમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં સરકારએ સામાન્ય લોકો અને નાના વેપારીઓને મોટી રાહત આપી છે. હવે માત્ર બે જ સ્લેબ રહેશે. સાથે જ રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ જેમ કે રોટલી, દૂધ, પનીર પરાઠા અને કેટલીક દવાઓને ટેક્સ-મુક્ત કરવામાં આવી છે.