દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કર્યાં
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 9 મેથી 15 મે, 2025 સુધી સવારે 5:29 વાગ્યા (IST) સુધીની તમામ નાગરિક ઉડાન પર આ પ્રતિબંધ લાદ્યો છે.
જે એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે તેમાં અમૃતસર, જમ્મુ, શ્રીનગર, ચંદીગઢ, પઠાણકોટ, અવંતીપોરા, અંબાલા, ભટિંડા, ભુજ, બિકાનેર, જેસલમેર, જોધપુર, કંડલા, પોરબંદર, રાજકોટ (હીરાસર), નલિયા, મુંદ્રા, કાંગડા (ગગ્ગલ), શિમલા, લેહ, લુધિયાણા, પટિયાલા, સરસાવા, થોઈસ, ઉત્તરલઈ, જામનગર, કિશનગઢ, કેશોદ, હલવારા, આદમપુર, હિંડન સામેલ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન આ એરપોર્ટ પર કોઈ નાગરિક ઉડાન કામગીરી થશે નહીં. ઉપરાંત, દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન (FIR) હેઠળ આવતા 25 એર ટ્રાફિક સર્વિસ (ATS) રૂટને પણ સુરક્ષા કારણોસર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. NOTAM G0555/25 મુજબ, જમીન સ્તરથી અમર્યાદિત ઊંચાઈ સુધીના આ 25 હવાઈ માર્ગો 14 મેના રોજ 11:59 UTC (15 મેના રોજ સવારે 5:29 IST) સુધી બંધ રહેશે. બધી એરલાઇન્સ અને ફ્લાઇટ ઓપરેટરોને વૈકલ્પિક રૂટ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.