ગુજરાતમાં તાપમાનમાં થયો વધારો, રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી વટાવી ગયો
- બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી
- સુરેન્દ્રનગરમાં 41 અને ભૂજ અને અમરેલીમાં પણ 40 ડિગ્રી તાપમાન
- આ વર્ષે ગરમી રેકર્ડ તોડે તેવી શક્યતા
અમદાવાદઃ ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે ભૂજ અને અમરેલી સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો અનુભવ કરશે. આમ રોજબરોજ ઉનાળો આકરો બનતો જાય છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન વધી રહ્યું છે, ત્યારે એપ્રીલ-મેમાં તાપમાનમાં રેકર્ડબ્રેક વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તો તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે 13 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો અનુભવ કરશે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ તા. 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની સ્પીડ 9 કિ.મી. પ્રતિકલાકથી લઈને 13 કિ.મી. પ્રતિકલાક છે. જોકે, 11 માર્ચ, 2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારા વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે.
ગુજરાતમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલો હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાનના જાણકારોના કહેવા મુજબ આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને તાપમાનવાળો રહેશે. ખાસ કરીને કચ્છમાં ભૂજ, ભચાઉ અને રાપરમાં, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને અમરેલીમાં, ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ઈડરમાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને નડિયાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે.