અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં વધારો, કેટલાક વિસ્તારોમાં બેઋતુનો અનુભવ
- મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાંની આગાહી
- અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે
- હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો. જોકે છેલ્લા બે દિવસથી આકાશમાં છવાયેલા વાદળો વિખેરાઈ જતા હવે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં એક-બે દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારમાં રાતના તાપમાનમાં ઘટાડો અને દિવસના તાપમાનમાં વધારો થતાં બેઋતુ અનુભવાઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો છે. જોકે હવામાનના જાણકાર એવી આગાહી કરી રહ્યા છે કે, વાતાવરણમાં ફરી પલટો આવે તેવી શક્યતા છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી પણ માવઠુ પડ્યા હોવાના વાવડ મળ્યા નથી. બીજી બાજું ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન 40 પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહી સાથે આજથી અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચી શકે છે. આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.