ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણને કારણે તાપમાનમાં થયો ઘટાડો
- અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો
- વાતાવરણમાં પલટા આવતા ગરમીથી લોકોએ રાહત અનુભવી
- હજુ બે-ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા
અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે સોમવારે સાંજના સમયથી વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી. રાતના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં આવેલી પલટાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતુ, જ્યારે વડોદરામાં 31.4 ડિગ્રી, સુરતમાં 25 ડિગ્રી, રાજકોટમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. કાલે બુધવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તેમજ સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે.
ગુજરાતમાં સોમવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર સુધીમાં અમરેલીના લીલીયામાં 16 મીમી, સુરતમા મહુવામાં 12 મીમી. પલસાણામાં 9મીમી, વરસાદ નોંધાયો હતો. જ્યારે મોડાસા, પાલિતાણા, ભૂજ, જોડિયા, કડાણા, તળાજા, મહિસાગરના વિરપુર, રાજકોટના ગોંડલ ભાવનગરના ગારિયાધાર, મહુવા અરવલ્લીના માલપુર, અને રાજકોટના કોટડા સાંગણીમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા માવઠુ પડવાની આગાહીને લીધે ઘણા માર્કેટ યાર્ડમાં ખેડુતોને પાક વેચવા માટે ન લાવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાને લીધે ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
સોમવારે સાંજે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર,બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. કચ્છમાં તો વાસણો ભરાય જાય એટલા કરા પડ્યા હતા. વડોદરા, અમદાવાદ અને ભરૂચમાં ધૂળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેના કારણે વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.