પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) પર ફરી પ્રતિબંધ ફરવાયો
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)ના હિંસક પ્રદર્શનોથી પરેશાન થયેલી શહબાઝ શરીફ સરકારે સંગઠન પર ફરી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આતંકવાદ વિરોધી કાયદા (ATA) 1997 હેઠળ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં 16 લોકોનાં મોત થયા હતા, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ શામેલ હતા.
પ્રધાનમંત્રી શહબાઝ શરીફની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં પંજાબ સરકારે મૂકેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં TLPના આતંકવાદી અને હિંસક સ્વભાવને ધ્યાનમાં લઈને પ્રતિબંધની ભલામણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) નિવેદનમાં જણાવ્યું કે, કેબિનેટે “એકમતથી” પ્રતિબંધને મંજૂરી આપી છે.
પંજાબ સરકારે આ પહેલાં 16 ઑક્ટોબરે મુખ્યમંત્રી મરિયમ નવાઝની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં TLP પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તે સમયે લેવાયો હતો જ્યારે TLPએ “ગાઝા એકતા માર્ચ”ના બહાને ઇસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરી હતી, જેનો હેતુ અમેરિકન દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન કરવાનો હતો.
PMOના જણાવ્યા અનુસાર, 2016માં સ્થાપિત TLPનો હિંસા અને અશાંતિ ફેલાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તે પર 2021માં પહેલી વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ છ મહિનાં બાદ શરતી રીતે પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો, શરત એવી કે સંગઠન હિંસા નહીં કરે. હવે ફરીથી હિંસક પ્રવૃત્તિઓ શરૂ થવાને કારણે સરકારએ ફરી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રતિબંધ બાદ TLPને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સત્તા (NACTA)ની પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવશે. આ યાદીમાં પહેલેથી જ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), બલોચ લિબરેશન આર્મી (BLA), લશ્કર-એ-તૈયબા (LeT), લશ્કર-એ-ઝંગવી અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા અનેક આતંકવાદી સંગઠનો સામેલ છે.
કાયદાકીય પ્રક્રિયા મુજબ, ફેડરલ સરકારે આ નિર્ણય 15 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં મોકલવો પડશે, જેથી સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ TLPને સત્તાવાર રીતે પ્રતિબંધિત સંગઠન જાહેર કરી શકાય.