ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત
અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના દરેક ક્લસ્ટર દીઠ એક શિક્ષક -મુખ્ય શિક્ષકની પસંદગી આગળના શૈક્ષણિક વર્ષના મૂલ્યાંકનના આધારે કરી "પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર' એનાયત કરવામાં આવશે.
પ્રતિભાશાળી શિક્ષક માટે કોઈ ન્યૂનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સેવાકાળ દરમિયાન એક જ વખત પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે. મૂલ્યાંકનના 100% પૈકી 80% ભારાંક માટે જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષક પોતાની હાજરી, તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી, એકમ કસોટી ગુણાંકન, ગુણોત્સવ- સ્કૂલ એક્રેડિટેશનના મૂલ્યાંકન, સત્રાંત પરીક્ષાનું પરિણામ, વાર્ષિક પરિક્ષાનું પરિણામ વગેરે બાબતોના ડેટાના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે. આ ઉપરાંત 20% ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો અન્ય કોઈપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક બાબતોમાં સહભાગિતા તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશિષ્ટ કાર્યો જેવા કે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા, વાર્ષિક મૂલ્યાંકન, શિક્ષક ઉત્સાહભેર શાળાકીય વૃત્તિમાં ભાગ તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે પ્રવૃત્તિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને પસંદ કરવાની પ્રક્રિયામાં કન્વીનર તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બ્લોક રિસોર્સ કોર્ડીનેટર સભ્ય સચિવ તેમજ કેળવણી નિરીક્ષક, સંબધિત તાલુકાના લાયઝન અધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નિવૃત એવોર્ડી શિક્ષક અથવા જે જિલ્લામાં એવોર્ડી શિક્ષક ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં નોકરીમાં સેવારત એવોર્ડી શિક્ષકે ‘પ્રતિભાશાળી શિક્ષક’ની પસંદગી કરવાની રહેશે. ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ માટે પસંદગી પામેલા શિક્ષકોના પ્રમાણપત્રને ભવિષ્યમાં તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક માટેના માપદંડ માટે પણ ધ્યાને લઇ શકાશે.