મતદાર સુધારણા કામગીરીમાં હાજર ન થતાં શિક્ષકોને એરેસ્ટ વોરંટ સામે શૈક્ષિક મહાસંઘનો વિરોધ
- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત,
- શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ,
- જિલ્લા કલેકટરોને આવેદનપત્રો અપાયા
અમદાવાદઃ રાજ્યના શિક્ષકોને, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સરકારી અને મ્યુનિ. કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોને અપાયેલી બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીની લઈને રાજ્યભરમાં ઉગ્ર વિરોધ વધી રહ્યો છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા ઉપરાંત મુખ્યમંત્રીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા પણ શિક્ષકોને પડી રહેલી હાલાકી અને અભ્યાસ પર પડતી અસર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં મતદાર સુધારણા (એસઆઇઆર)ની કામગીરીમાં ગુજરાતના લગભગ 40 હજાર શિક્ષકોને રોકવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની શાળાઓના બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. આવી સ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી પંચની તમામ કામગીરી માટે અલગ કેડરની રચના કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. શૈક્ષણિક સંઘોની ફરિયાદ છે કે સરકારી અને મ્યુનિની સ્કૂલોના શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપાય છે, તેમાં શિક્ષકોને ભારે હાલાકી પડી રહી છે.
રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા SIR (special intensive revision) ની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO (બુથ લેવલ ઓફિસર)ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગ છે. સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેમાં શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ નીંદનીય છે, જેથી શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવાની માગ કરવામાં આવી છે.
અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. અહીં પ્રાંત મહિલા મંત્રી અક્ષિતા જાનીએ જણાવ્યું કે, જો સોંપાયેલી કામગીરી સમયસર પૂર્ણ ન થાય, તો વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક શિક્ષકોએ નોકરી પરથી દૂર કરવાની ચેતવણી મળતી હોવાનો આક્ષેપ પણ કર્યો. વધુમાં ઉમેર્યું કે, હાલ એક BLOને સરેરાશ 1400 જેટલા મતદારોની વિગતો એકત્ર કરવાની અને ત્યારબાદ તેની ઑનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી પણ હોય છે, જે અત્યંત સમયખાઉ બની શિક્ષણ વ્યવસ્થાને અસર કરે છે.