શિક્ષક એટલે મજબૂત દેશ અને સશક્ત સમાજનો પાયો: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે પોતાના નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શિક્ષકોનું કાર્ય માત્ર વર્ગખંડ સુધી મર્યાદિત નથી ,પરંતુ તેનાથી આગળ પણ પાત્ર નિર્માણ અને યુવા શક્તિની જિજ્ઞાસાને દિશા આપવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે શિક્ષક મજબૂત દેશ અને સશક્ત સમાજનો પાયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ આપવું એ દેશસેવા ક્ષેત્રમાં અન્ય કોઈપણ સેવા કરતાં ઓછું નથી. આજે ભારત વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. તેમાં ગુરુ-શિષ્ય પરંપરા અમારી માટે ખૂબ મોટી શક્તિ છે. શિક્ષક મજબૂત દેશ અને સશક્ત સમાજનો પાયા છે. તેમણે કહ્યું કે શિક્ષક માત્ર વર્તમાનને જ નહીં પરંતુ દેશની ભાવિ પેઢીને ઘડે છે અને ભવિષ્યને નિખારે છે.
આ પ્રસંગે તેમણે દેશના વિદ્યાર્થીઓ અને યુવા પેઢી માટે એક પ્રશ્ન પર ભાર મુક્યો અને કહ્યું કે આજના સમયમાં તેને પ્રચારિત અને પ્રસારિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન મનમાં ધારવો જોઈએ કે – “હું એવું શું કરું કે જેથી મારા દેશની કોઈને કોઈ જરૂરિયાતની પૂર્તિ થાય?” આ દરમિયાન પ્રધાનમંત્રીએ GSTમાં કરવામાં આવેલા કાપનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે આથી ભારતની શાનદાર અર્થવ્યવસ્થામાં પાંચ નવા રત્ન ઉમેરાયા છે. પહેલું- કર પ્રણાલી વધુ સરળ થઈ છે. બીજું- નાગરિકોના ગુણવત્તાયુક્ત જીવનમાં વધારો થશે. ત્રીજું- ઉપભોગ અને વિકાસ બંનેને નવી ઊર્જા મળશે. ચોથુ- બિઝનેસ કરવું વધુ સરળ બનશે, જેના કારણે રોકાણ અને રોજગારીમાં વધારો થશે. તો પાંચમું છે વિકસિત ભારત માટે સહયોગી સંઘવાદ વધુ મજબૂત બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકારનો હેતુ એ છે કે સામાન્ય લોકોના જીવનમાં વધુમાં વધુ બચત થાય અને તેમનું જીવન વધુ સારું બને, સાથે જ તેમણે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે આજે દેશને આત્મનિર્ભર બનાવવા માટેના સુધારાઓની શ્રેણી અટકવાની નથી. આપણા માટે ‘આત્મનિર્ભરતા’ માત્ર નારો નથી પરંતુ એક મજબૂત પ્રયત્ન છે. તેમણે કહ્યું કે આજે દેશમાં રાજકીય ઇચ્છાશક્તિ ધરાવતી સરકાર છે, એવી સરકાર જે દેશના ઉજ્જવળ ભવિષ્ય અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. અમે કોઈપણ દબાણની પરવા કર્યા વિના ઑનલાઇન ગેમિંગ સંબંધિત કાયદો લાવ્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું, “21મી સદીમાં આગળ વધતા ભારત માટે GSTમાં પણ નેક્સ્ટ જનરેશન સુધારો કરવામાં આવ્યો છે. GST 2.0 દેશ માટે સપોર્ટ અને વિકાસનો ડબલ ડોઝ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે GST વધુ સરળ બની ગયું છે અને ફક્ત બે જ દરો – 5 ટકા અને 18 ટકા રહ્યા છે. 22 સપ્ટેમ્બર, એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી GSTના નવા દરો અમલમાં આવશે. આથી આ વખતે ધનતેરસની રોનક વધુ વધી જશે. અનેક વસ્તુઓ પર ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે. 8 વર્ષ પહેલા GST લાગુ થયા પછી કેટલાય દાયકાઓનું સપનું સાકાર થયું હતું. GST સ્વતંત્ર ભારતના સૌથી મોટા આર્થિક સુધારાઓમાંથી એક હતું. પ્રધાનમંત્રીએ GST મુદ્દે કોંગ્રેસ પર પણ નિશાનો સાધ્યું અને કહ્યું કે 2014માં તેમના પ્રધાનમંત્રી બન્યા પહેલાં રસોડું, ખેતી, દવા અહીં સુધી કે જીવન વીમા જેવી અનેક વસ્તુઓ પર અલગ-અલગ ટેક્સ લાગતો હતો. તે સમયે 100 રૂપિયાની વસ્તુ પર 20 થી 25 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો. જેમાં હવે ઘણી રાહત આપી દેવામાં આવી છે.