સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી નજીકથી પકડાઈ
- 11 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન આપતી શિક્ષિકા તેના પ્રેમમાં પડી
- શિક્ષિકાએ પોતાના બે મોબાઈલમાંથી એક સ્વીચઓફ કરી દીધો હતો
- બીજો મોબાઈલ ચાલુ કરતા ટ્રેસ કરીને પોલીસે લકઝરી બસમાંથી પકડી પાડી
સુરતઃ શહેરમાં 11 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન આપતી શિક્ષિકા વિદ્યાર્થીના પ્રેમમાં પડી હતી. અને વિદ્યાર્થીને લઈને ચાર દિવસ પહેલા નાસી ગઈ હતી. આ બનાવ શહેરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. દરમિયાન પોલીસે વિદ્યાર્થી સાથે ભાગેલી શિક્ષિકાની શોધખોળ આદરી હતી. આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યાં છે.
પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા. તેને આજે સવારે 4:00 વાગ્યા આસપાસ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત પરત આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિમીથી પણ વધુ દૂર પહોંચી ગયાં હતાં.
બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકાબીજાને ઓળખે છે. બંનેનાં પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લાં ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યાં હતાં.
આ બનાવની વિગતો એવી હતી કે, સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં કરિયાણાના વેપારીનો 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોઇ તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલા સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આખી રાત સીસીટીવી ફંફોસ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતાં નહિ દેખાતાં પોલીસ ચકરાવે ચઢી હતી. શિક્ષિકાની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યાં હતાં અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો. આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા. દરમિયાન શિક્ષિકાએ તમામ તૈયારીઓ કરી હતી અને આ વિદ્યાર્થીને સાથે ભગાવીને લઈ ગઈ હતી. સુરત લાવ્યા બાદ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેની વધુ પૂછપરછ કરવામાં આવશે.