કોડિનારમાં ચાની લારીવાળાને ઈન્કમટેક્સની 115 કરોડની નોટિસ મળી
- મહિને માત્ર રૂપિયા 10 હજાર કમાતા ચાની લારી વાળાને ઈન્કમ ટેક્સ ભરવા નોટિસ
- ચાની કીટલીવાળો ધારક ભાડાના મકાનમાં રહે છે
- તેના નામે ફેક એકાઉન્ટ ખોલાવીને કરોડોના ટ્રાન્ઝેક્શન થયાની શંકા
રાજકોટઃ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઘણીવાર પુરતી તપાસ કર્યા વિના જ આકરો ટેક્સ ભરવા માટેની નોટિસ ફટકારાતી હોય છે. ત્યારે કોડીનારમાં એક ગરીબ શ્રમજીવી એવા ચાની કીટલી ચલાવતા આસિફ શેખ નામના વ્યક્તિને 115 કરોડની નોટિસ ફટકારી છે. આસિફ શેખને પોતાનું ઘર પણ નથી અને ભાડાના મકાનમાં રહે છે. અને મહિને માત્ર 10 હજારની આવકમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આસિફ શેખના નામે કોઈએ કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હશે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાની લારીવાળાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂપિયા 115 કરોડની નોટિસ ફટકારી છે. આસિફ શેખ નામનો વ્યક્તિ બસ સ્ટેશન પાસે 20 વર્ષથી ચા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિને 10 હજાર કમાતા વ્યક્તિને એક અબજથી વધુના ટ્રાન્ઝેક્શનની નોટિસ મળતા ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર એસટી બસ સેટેશન પાસે આવેલા શિવ પાર્ક નામનાં રેસ્ટોરન્ટમાં આસિફ શેખ છેલ્લા 20 વર્ષથી ચા વેચવાનું કામ કરી મહિને દશ હજાર રૂપિયા કમાઈ છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઈન્કમ ટેક્સ વિભાગે આસિફ મોહમદ શેખને 115 કરોડ 92 લાખ 9 હજાર 921 રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માગ્યો છે. આઈટીની નોટિસને લીધે આસિફ મોહમદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે. દરમિયાન આસિફ શેખ જે રેસ્ટોરન્ટમાં મહિને 10 હજારમાં ચા વેચવાની નોકરી કરે છે તે રેસ્ટોરન્ટનાં માલિકનું કેહવુ છે કે 'આસિફ છેલ્લા વીસ વર્ષથી અહીંજ કામ કરે છે.તેની ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે.તે ભાડાનાં મકાનમાં રહે છે. મકાન માલિક તેમની પાસે 32 હજાર રૂપિયા ભાડાનાં માંગે છે જ્યારે હું 80 હજાર માંગુ છું તે પહેલેથી જ કર્જનાં બોજ નીચે દબાયેલો છે. આસિફની પહેલી પત્ની બીમાર હતી.જેનું મોત થયું હતું જેને એક દીકરો અને એક દીકરી છે. જ્યારે આસિફે પત્નીનાં મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા છે જે પત્નીને પણ દીકરો અને દીકરી બે સંતાનો છે.આમ તેમને ચાર સંતાનો છે.આ પરિવારમાં કુલ 6 સદસ્યો છે અને ભાડાનાં મકાનમાં રહે છે.આસિફ તેના પરિવારનું ભરણ પોષણ દશ હજાર રૂપિયામાં કરે છે.
કોડિનારમાં ચાની કિટલી ધારકને 115 કરોડની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને પોલીસને અરજી આપી પોતા પર અચાનક આવેલી આફતનું નિરાકરણ કરવા આજીજી કરી હતી. આસિફના નામે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને કોઈએ મોટુ ટ્રાન્ઝેક્શન કર્યુ હોવું જોઈએ. પોલીસ આ મામલે તપાસ કરે અને ઈન્કમ ટેક્સ વિભાગમાંથી વિગતો મેળવીને કઈ બેન્કમાં કોણે ટ્રાન્ઝેક્શન કર્યુ છે. તેની માહિતી મેળવે તો જ સાચી હકિક્ત પ્રકાશમાં આવે તેમ છે.