બોડેલીના પાણેજ ગામે તાંત્રિકે 5 વર્ષની બાળકીનો બલી ચડાવતા ચકચાર
- પડોશીની ઘરની બહાર રમતી બાળકીને તાંત્રિક ઉપાડી ગયો
- બાળકી રડતી રહી અને તાંત્રિકે કુહાડીથી ગળું કાપી લોહી મંદિરમાં ચડાવ્યું
- પોલીસે તાંત્રિકની કરી ધરપકડ
છોટાઉદેપુરઃ આજના ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાએ એક માસુમ બાકળીનો ભોગ લીધો છે, જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ ચડાવાતા આદિવાસી પંથકમાં ચરચાર મચી ગઈ છે. આ ઘટનાની કરુણતા તો એ છે કે બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી અને આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા. જો કે તાંત્રિકના હાથમાં કુહાડી હોવાથી કોઇ પણ માસૂમ બાળકીને બચાવવા આગળ ન આવી શક્યું અને તાંત્રિકે તેની બલી ચડાવી દીધી. હતી. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તાંત્રિક લાલાની ધરપકડ કરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, છોટા ઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાં આજે સવારે 5 વર્ષની સીતા ઘર બહાર રમતી હતી. તેમજ તેના માતા અને ભાઈ બહાર કપડાં ધોઇ રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો હતો અને બાળકનીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચીને લઇ ગયો હતો. જેથી ડરી ગયેલી બાળકી પોતાને બચાવવા માટે રડવા લાગી હતી. રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી હતી અને તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ તાંત્રિક પાસે કુહાડી જોઈને બધા ગભરાઈ ગયા હતા. કોઈ બચાવવા જઇ શક્યું નહીં. તાંત્રિક બાળકીને લઈને તેના ઘરમાં જતો રહ્યો અને પોતાની પાસે રહેલી કુહાડી વડે ગાળાના ભાગે જોરદાર ઘા કરીને મોતને ઘાટ ઉતરી દીધી હતી. તાંત્રિક લાલાએ બાળકીની બલી તેના ઘરમાં બનેલા નાનકડા મંદિરના પગથિયા પર આપી હતી. તાંત્રિકે બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ગળું ધડથી અલગ થઇ ગયું હતું તેમજ ઘર લોહીલુહાણ થઇ ગયું હતું. તાંત્રિકે બાળકીનું લોહી મંદિરના પગથિયા પર પણ ચડાવ્યું હતું.
સમગ્ર ઘટના મામલે બાળકીના પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ દોડી આવી હતી અને આરોપી તાંત્રિક લાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણેજ ગામમાં રહેતા જ્યોતિબેન તડવી ઘર બહાર કપડાં ધોઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનો પડોશી લાલાભાઇ તડવી આવ્યો હતો અને જ્યોતિબેનની પાંચ વર્ષની દીકરીને ઉઠાવી ગયો હતો. લાલા તડવીના હાથમાં કુહાડી હતી જેથી માતા જ્યોતિબેને બૂમાબૂમ કરી પડોશીઓને બોલાવ્યા હતા. પરંતુ લાલા તડવીના હાથમાં કુહાડી હોવાથી કોઇ પણ તેને બચાવી શક્યું નહીં અને લાલા તડવીએ ઘરમાં લઇ જઇને બાળકીની કહાડીથી હત્યા કરી હતી. બાળકીની હત્યા બાદ લાલા તડવીએ બાળકીની લાશ ઘરમાં બનેલા મંદિરના પગથિયા પાસે લઇ જઇ બાળકીનું લોહી પગથિયા પર ચડાવ્યું. આ મામલે આરોપીની લાલા તડવીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ મામલો નરબલીનો લાગી રહ્યો છે. આરોપી વિકૃત માનસિકતાવાળો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.