તમિલનાડુઃ મકાન ઉપર વિશાળ ભેખડ પડતા સાત લોકોના મોત, CM સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યું
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે તિરુવન્નામલાઈ જિલ્લાના અન્નામલાઈર પહાડીઓ પર વરસાદ સંબંધિત ઘટનામાં પાંચ બાળકો સહિત સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બરના રોજ, મુશળધાર વરસાદ પછી, પર્વતીય વિસ્તારના નીચલા વિસ્તારમાં સ્થિત 'VOC નગર' માં એક રહેણાંક મકાન પર ખડક પડતા દૂરઘટના સર્જાઈ હતી. આ ઘટના સમયે ઘરમાં હાજર ચાર જણના પરિવાર અને પાડોશીના ત્રણ બાળકો સહિત સાત લોકો કાટમાળ નીચે દટાયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), પોલીસ, ફાયરબ્રિગેડ અને બચાવ ટીમના કર્મચારીઓ દ્વારા સઘન શોધખોળ બાદ 2 ડિસેમ્બરની સાંજે તેમના મૃતદેહ બહાર કાઢ્યાં હતા.
તિરુવન્નામલાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ ડી ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે, ચક્રવાત 'ફેંગલ'ના કારણે થયેલા ભારે વરસાદને પગલે પર્વતની ટોચ પરની માટીમાં તિરાડ પડવાને કારણે ખડક નીચે લપસીને ઘર પર પડી હતી. "હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું," મુખ્યમંત્રીએ અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું. મેં મૃતકોના પરિવારને મુખ્યમંત્રી જાહેર રાહત ફંડમાંથી 5-5 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ 32 વર્ષીય રાજકુમાર, તેની પત્ની મીના (27), તેમના પુત્ર અને પુત્રી અને પડોશની ત્રણ છોકરીઓ તરીકે થઈ છે. પાંચેય બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી હતી. 1 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે, રાજકુમારને લાગ્યું કે ભારે વરસાદને કારણે તેમના ઘર પર એક ઝાડ પડી ગયું છે અને જ્યારે તેમણે તેમના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક ખડક પર્વત પરથી નીચે આવીને તેમના ઘર પર પડી હતી. જેના કારણે તેનું ઘર માટી અને પથ્થરો નીચે દબાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસને NDRFને જાણ કરી હતી અને તેમના કમાન્ડિંગ ઓફિસર સહિત 39 જવાનોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા. એનડીઆરએફના પ્રયાસો અસફળ રહ્યા હતા અને રાજકુમાર, તેમની પત્ની મીના, તેમના પુત્ર અને પુત્રી અને પડોશની ત્રણ છોકરીઓ મોત થયાં હતા.