તાલિબાનની તાનાશાહી, અફઘાનિસ્તાનમાં યુવતીઓ નહીં કરી શકે નર્સિંગનો અભ્યાસ
કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાન નર્સિંગ અને મિડવાઇફરી કોર્સમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના સર્વોચ્ચ નેતાના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, “અમારી પાસે પહેલેથી જ પ્રોફેશનલ મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફની અછત છે, આ નિર્ણય પછી આ અછત વધુ વધી જશે. જોકે આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આરોગ્ય મંત્રાલયના બે અધિકારીઓએ આ પ્રતિબંધની અનૌપચારિક પુષ્ટિ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, "આ નિર્ણયની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંસ્થાઓના નિર્દેશકોને એક બેઠકમાં જાણ કરવામાં આવી હતી કે મહિલાઓ અને છોકરીઓ હવે તેમની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકશે નહીં," જાહેર આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. માત્ર સર્વોચ્ચ નેતાના આદેશની જાણ કરવામાં આવી હતી અને તેનો અમલ કરવાનું કહેવામાં આવ્યું હતું. 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાન મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે. તાલિબાને મહિલાઓને જાહેરમાં ચહેરો ઢાંકતા નકાબ સહિત સંપૂર્ણ શરીર ઢાંકવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય છોકરીઓને માધ્યમિક શાળામાં જવા પર રોક લગાવવામાં આવી છે.