આતંકી ડેવિડ હેડલી સાથે મલીને તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાનું કાવતરુ ઘડ્યું હતું
મુંબઈઃ અમેરિકાએ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે એક નિવેદન જારી કર્યું હતું. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે રાણાને ભારત લાવવું એ 2008ના આ ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકનો અને અન્ય પીડિતો માટે ન્યાય તરફ એક 'મહત્વપૂર્ણ પગલું' છે. 64 વર્ષીય રાણાને બુધવારે એક ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા અને ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. તેના પર તેના બાળપણના મિત્ર અને મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર ડેવિડ હેડલી સાથે મળીને આ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હુમલા પછી રાણાએ હેડલીને કહ્યું હતું કે 'ભારતીયોએ આ સહન કરવું પડશે.' એક ઇન્ટરસેપ્ટેડ કોલમાં, તેમણે હુમલા દરમિયાન માર્યા ગયેલા નવ આતંકવાદીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓને પાકિસ્તાનના સર્વોચ્ચ લશ્કરી સન્માન, નિશાન-એ-હૈદરથી નવાજવા જોઈએ.
26/11 ના હુમલાને લશ્કર-એ-તૈયબા (LeT) ના 10 પાકિસ્તાની આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. જેમાંથી 9 લોકો માર્યા ગયા હતા અને એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને 2012 માં ફાંસી આપવામાં આવી હતી. ભારતમાં, રાણા પર ગુનાહિત કાવતરું, ભારત સરકાર સામે યુદ્ધ છેડવું, હત્યા અને બનાવટી જેવા ગંભીર આરોપો છે. આ બધા આરોપો UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ નોંધાયેલા છે.
2009 માં અમેરિકામાં ધરપકડ કરાયેલા રાણાને અમેરિકામાં બીજા આતંકવાદી ષડયંત્રના કેસમાં સજા ફટકારવામાં આવી હતી, પરંતુ યુએસ સુપ્રીમ કોર્ટે તેમના પ્રત્યાર્પણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ તાજેતરમાં જ તેમને ભારત મોકલવામાં આવ્યો છે.