સ્વીડિશઃ ઓરેબ્રોની શાળામાં ગોળીબારની ઘટનામાં 11 વ્યક્તિના મોત
સ્વીડિશમાં ઓરેબ્રો વિસ્તારની એક શાળામાં થયેલા સામૂહિક ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા છે. દેશના પ્રધાનમંત્રીએ તેને સ્વીડનના ઇતિહાસનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસનએ 4 ફેબ્રુ. મંગળવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મધ્ય સ્વીડનના ઓરેબ્રોમાં શાળામાં થયેલ ગોળીબાર દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ સામૂહિક ગોળીબાર છે.
અગાઉ સ્વીડિશ પોલીસે મંગળવારે સાંજે પુષ્ટિ કરી હતી કે ગોળીબારમાં લગભગ દસ લોકો માર્યા ગયા છે. આ ઘટના ઓરેબ્રોમાં રિસબર્ગસ્કા સ્કોલાન નામના શિક્ષણ કેન્દ્રમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં શંકાસ્પદ ગોળીબાર કરનારનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતોની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી. જોકે શરૂઆતના તારણો દર્શાવે છે કે શંકાસ્પદ વ્યક્તિએ એકલા હાથે આ કૃત્ય કર્યું હતું.
પોલીસે એમ પણ કહ્યું કે તેમને ગોળીબાર પાછળનો હેતુ ખબર નથી, પરંતુ આ આતંકવાદી ઘટના નથી. આ હુમલા પહેલા પોલીસને કોઈપણ માહિતી મળી ન હતી. સ્વીડિશ પ્રધાનમંત્રીએ જનતાને અનુમાન લગાવવા માટે ટાળવાની અપીલ કરી, અને ભાર મૂક્યો કે અધિકારીઓને તેમની તપાસ કરવા માટે જગ્યા આપવી જોઈએ. સ્વીડિશ જનતા કારણ જાણવા માંગે છે, પરંતુ તેમણે જવાબ માટે રાહ જોવી પડશે, અને સમય જતાં ચિત્ર સ્પષ્ટ થતું જશે. જોકે આ દિવસને સ્વીડન માટે બ્લેક ડે ગણાવ્યો છે. તેમણે પીડિતો અને ઘાયલોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પોલીસ, બચાવ અને આરોગ્યસંભાળ કાર્યકરોના પ્રયાસોની પ્રશંસા કરી.
રિસ્બર્ગસ્કા સ્કોલાન મુખ્યત્વે 20 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોને સેવા આપે છે, પરંતુ ઇમિગ્રન્ટ્સ માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમો અને સ્વીડિશ ભાષાના વર્ગો પણ પ્રદાન કરે છે. ઓરેબ્રો શહેર સ્ટોકહોમથી લગભગ 200 કિમી પશ્ચિમમાં આવેલું છે. સ્વીડિશ રેડિયો (SR) સાથે વાત કરતાસ્થાનિક શાળા સુરક્ષા નિષ્ણાત લેના લજુંગડાહલે જણાવ્યું હતું કે સ્વીડનમાં શાળાઓમાં સશસ્ત્ર હિંસા ખૂબ જ દુર્લભ છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓની બહાર હિંસા વધી છે. તાજેતરના વર્ષોમાં શાળાઓ નજીક ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે.