સ્વામિત્વ યોજના: પ્રધાનમંત્રીએ સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યુ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 65 લાખ માલિકી મિલકત કાર્ડનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૦,૦૦૦ થી વધુ ગામડાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ ગ્રામીણ ભારત અને તેના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. એપ્રિલ 2020 માં શરૂ કરાયેલી સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં રહેતા લોકોને તેમની મિલકતોના કાયદેસર અધિકારો આપવાનો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રોપર્ટી કાર્ડ દ્વારા લોકોને તેમની જમીન અને ઘરનો કાનૂની પુરાવો મળે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં, પરંતુ મિલકતના અધિકારો આપીને ગરીબી ઘટાડવામાં પણ મદદ મળે છે. તેમણે એમ પણ કહ્યું કે સંપત્તિ અધિકારોનો અભાવ સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા છે, અને આર્થિક વિકાસ માટે તેનો ઉકેલ લાવવો જરૂરી છે.
પ્રધાનમંત્રીએ આબોહવા પરિવર્તન, પાણીની અછત અને આરોગ્ય સંકટ જેવા વૈશ્વિક પડકારોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મિલકતના અધિકારો આ સમસ્યાઓના ઉકેલમાં અને ગરીબી ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વામિત્વ યોજના હેઠળ, ગામડાઓની જમીનોનું સર્વેક્ષણ અને નકશાકરણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેનાથી લોકોને તેમની મિલકતોનો કાનૂની પુરાવો મળે છે. આ યોજના દ્વારા ગ્રામીણ ભારતમાં પારદર્શિતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.