શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું ઐતિહાસિક ભાષણ : સ્મરણ અને વિવેચન
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ – ધર્મના ઈતિહાસમાં આ તારીખ સોનાના અક્ષરે લખાયેલી છે. અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલું ભાષણ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે એક અમૂલ્ય સંદેશ બની રહ્યું.
સ્વામી વિવેકાનંદ એક અજ્ઞાત પરિવ્રાજક તરીકે ભારતભરમાં ઘૂમી રહ્યા હતા. અમેરિકામાં એક વિરાટ પ્રદર્શન યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. એ પ્રદર્શનનો મૂળ હેતુ મનુષ્યજાતિએ સાધેલી ભૌતિક પ્રગતિનો સર્વગ્રાહી ખ્યાલ મેળવવાનો હતો. પરંતુ એવા પ્રદર્શનના ઉપક્રમે, મનુષ્યજાતિએ વિચારના ક્ષેત્રમાં પણ જે પ્રગતિ સાધી હોય તેનો ખ્યાલ આપતી પરિષદોની હારમાળા યોજાય એવો વિચાર છેક વર્ષ ૧૮૭૯ની ગ્રીષ્મઋતુમાં શ્રીયુત ચાર્લ્સ બોનીના મનમાં ઉદ્ભવ્યો. શ્રીયુત ચાર્લ્સ બોનીના પ્રમુખપદે કમિટી સ્થપાઈ. વર્ષ ૧૮૯૩માં મે માસની ૧૫મી થી ઓક્ટોબરની ૨૮ સુધી જુદા જુદા વિષયોની આલોચના કરતી વીસ પરિષદો ભરવામાં આવી. આ બધી પરિષદોમાં સૌથી વધુ જાહેરાત તો વિશ્વધર્મ પરિષદની જ થઈ હતી. ધર્મના ઈતિહાસમાં આ એક ખરેખર અજોડ ઘટના બની હતી.
સ્વામીજીએ અમેરિકા જતી વખતે સ્વામી તુરીયાનંદજીને કહેલા શબ્દો જાણવા જેવા છે. એમણે કહેલું કે "વિશ્વ ધર્મ પરિષદ આને (પોતાને) માટે મળી રહી છે. મારું અંતઃકરણ મને એમ કહે છે અને તમે નજીકના ભવિષ્યમાં જ એ કથન સાચું પડતું જોશો." આજે પણ આપણને તે શત શત પ્રતિશત સાચું પડેલ જણાય છે. સ્વામીજીની દીર્ઘ અને દિવ્ય દ્રષ્ટિને વંદન. અમેરિકાના ઘણાખરાં ખ્રિસ્તિ અખબારોએ આવી વિશ્વધર્મ પરિષદની કશી સાર્થકતા ન જોઈ, એટલું જ નહીં પણ તેઓએ એવી ભીતિ સેવી કે આથી ઈશુ અને તેના ધર્મની પ્રતિષ્ઠા ઘટશે અને જગતમાં ધર્મો વચ્ચે વિખવાદ વધશે.
શ્રીયુત બોની અને કેટલાક ઉદારમતવાદી ખ્રિસ્તીઓનો દ્રષ્ટિકોણ આનાથી અલગ હતો. શ્રીયુત બોની માનતા હતા કે "એ રીતે મારી એવી માન્યતા બંધાઈ કે મહાન ધાર્મિક સંપ્રદાયોને જો મૈત્રીભરી આપલેના સંબંધોમાં લાવવામાં આવે, તો પરસ્પર પ્રવર્તતી સહાનુભૂતિ અને એકતાની ઘણી સમાન ભૂમિકા મળી જાય; તથા ઈશ્વર પ્રેમ અને માનવસેવા દ્વારા માનવજાતિની ભાવિ એકતા સિદ્ધ કરવાનું કાર્ય સારી પેઠે સરળ બને અને આગળ ધપે." શ્રીયુત બોનીની પ્રેરણા અને આ યોજના સફળ કરવાનું શ્રેય કમિટીના પ્રમુખ રેવ.જૉન હેનરી બેરોઝના ફાળે જાય છે. સલાહકાર તરીકે ભારતમાંથી હિંદુ પત્રના તંત્રી શ્રી જી.એસ આયર, મુંબઈના નગરકર અને કલકત્તાના શ્રી પી સી મજમુદાર હતા.
આમ, સ્વામી વિવેકાનંદજીએ વિશ્વ ધર્મ પરિષદ પાછળની સંકલ્પનાને ત્યાં અનેક રીતે અનુભવી તેમણે સ્પષ્ટ કરેલ કે પરિષદના પ્રયોજકોનો દ્રષ્ટિકોણ હતો કે "અન્ય ધર્મ કરતાં ખ્રિસ્તી ધર્મ ચડિયાતો છે એવું પુરવાર કરવાના આશયથી આ ધર્મપરિષદ યોજાઈ હતી." અનેક વિખવાદો બાદ શિકાગોની આર્ટ ઈન્સ્ટિટયૂટના વિશાળ મકાનમાં, 'હોલ ઓફ કોલંબસ' તરીકે ઓળખાતા વિશાળખંડમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના સવારે દસ વાગે વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થાય છે. ૧૦૦ ફૂટ લાંબી અને ૧૫ ફૂટ પહોળી વ્યાસપીઠ હતી. અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓની વિદ્વત મંડળી નિહાળી સ્વામીજીને એ વખતે થયેલ અનુભૂતિને સ્વયં જણાવતાં કહ્યું 'મારું હૃદય કંપી ગયું અને જીભ લગભગ સુકાઈ ગઈ.'
પ્રાર્થનાથી પરિષદનો પ્રારંભ થયા બાદ આભારવિધિ અને સ્વાગત સમિતિના સાત સભ્યોના ભાષણો થયાં. સવારની બેઠકમાં સ્વામીજીનું નામ બોલાયું હતું. પરંતુ સ્વામીજીએ 'હમણાં નહીં, હમણાં નહીં' એવો જવાબ આપીને સવારની બેઠક તો પૂર્ણ કરી. બપોરની બેઠકમાં ચાર પ્રતિનિધિ બોલ્યા, હવે વારો હતો સ્વામી વિવેકાનંદજીનો. ડૉ.બેરોઝે સ્વામીજીનો પરિચય આપ્યો. સ્વામીજીએ દેવી સરસ્વતીની સ્તુતિ કરીને શરૂઆત કરી.... અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહ્રદય સ્વાગતનો પ્રત્યુતર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. જગતના અતિ પ્રાચીન ઋષિ મુનિઓ વતી હું તમારો આભાર માનું છું; સર્વ ધર્મોની જનેતા વતી હું તમારો આભાર માનું છું અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું.
વળી, આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશોમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મ સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો આનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યયની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના પીડિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ વર્ષમાં દક્ષિણ ભારતમાં લવાયેલા એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંના થોડાં ચરણો હું આપની સામે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે : "જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમય છે તેમ, ઓ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેટલા ભિન્ન હોય, સરળ કે અટપટા હોય તો પણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે."
रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम्।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥
આવી મહત્વપૂર્ણ સભા આ જ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલા અદભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્ઘોષણાઙ કરતા શ્લોક છે : "ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી મળે છે."
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ।।
પંથવાદ ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસોથી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત પણ હવે એનો સમય ભરાઈ ગયો છે. આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ બની રહે, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.
- `ભાષણના બિંદુઓ અને વિવેચન....
"અમેરિકાનાં બહેનો અને ભાઈઓ...!" આખી સભાએ તાળીઓના ગડગડાટથી એમના શબ્દોને વધાવી લીધા. 'સજ્જનો અને સન્નારીઓ'ના સંબોધનથી ટેવાયેલી સભાને આ શબ્દોમાં જ અપૂર્વતા લાગી હશે. આ શબ્દો જ તેમના માટે આશ્ચર્યજનક હશે. (સ્વામીજીના કહેલ.... કાન બહેર મારી જાય તેવો તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલુ રહ્યો હતો.)
જગતના અતિ પ્રાચીન ઋષિ મુનિઓ,સર્વ ધર્મોની જનેતા અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી …. આભાર.
અહીં સ્વામીજીએ ભારતની ચિર પુરાતન રાષ્ટ્ર ભારતની મહાનતા-દિવ્યતા અને ભારતીય સનાતન હિન્દુ- સંસ્કૃતિનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો છે. આપણા સહોદર ભાવનું પ્રકટીકરણ કર્યું છે.
સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશોમાં પહોંચાડનારને આભાર વ્યક્ત કરવો. વિશ્વના શ્રેષ્ઠ વિચારોને સ્વીકારી અને તેને સ્વાગત કરવાની ભારતીય સંસ્કૃતિનો "आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः" (ऋग्वेद) નો દ્રષ્ટિકોણ અહીં જોવા મળે છે.
જે ધર્મ સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો આનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યયની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ.
અહીં ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિની સર્વસમાવેશકતા, સહિષ્ણુતા, એકાત્મતા, સદ્ભાવ, વિશાળતા, ઐક્યભાવ, એકતાની આપણી વર્ષોથી ચાલી આવી રહેલ જીવનશૈલીની વાત કરી છે. માટે જ સૌની માન્યતાઓને સ્વીકારવાની આપણી માનસિકતા છે. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના પીડિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યોની વાત કરી. ૧. રોમન લોકોના અત્યાચારનો ભોગ બનેલ યહૂદી ૨. જરથોસ્તી પ્રજા(પારસી)ને સસન્માન રાખવા અને સહયોગ-સહકાર આપ્યાના ઉદાહરણ ટાંક્યા છે. આમ, ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિ માત્ર सर्वे भवन्तु सुखिन ની વાત જ નથી કરતું પણ તેને પ્રથમ આચરણમાં મૂકે છે, તેની પ્રતિતિ વિશ્વને કરાવી. હમણાં આવેલ અફઘાનિસ્તાન ધરતીકંપમાં મદદ કરવી, કોરોના રસીના કરોડો ડોઝ વિશ્વને મફત આપવા, યુક્રેમાંથી બીજા દેશના વિદ્યાર્થીને બહાર કાઢવામાં મદદ, વગેરે આના જીવંત ઉદાહરણ છે.
બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ
रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम्।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥
(શિવ મહિમ્ન સ્ત્રોત)
અહીં હિન્દુ પરિવારનું મહત્વ સમજાય છે. બાળપણથી મળેલ સંસ્કાર હંમેશાં જીવનમાં પ્રકટ થાય છે અને જીવનની એક દિશા નિશ્ચિત કરે છે. સર્વસમાવેશકતા, વિવિધતામાં રહેલ એકત્વ, આધ્યાત્મિક ઉચ્ચતા, સૌનું સન્માન, આત્મીયતા, સૌને સત્કાર આપવો આ સદ્ગુણો સાથે હિન્દુ સૌને સ્વીકારે છે.
"મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તોપણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે."(શ્રીમદ ભગવત ગીતા)નો ઉલ્લેખ કરી હિન્દુઓનો સૌને પ્રેમ, સત્કાર, અપનાવવાની માનસિકતા જણાવે છે. બધા મારા છે, હું બધાનો છું તેમજ "ईशावास्यमिदं सर्वं" અને ઈશ્વર અનેક રૂપે છે…એક છે; હરિ તારા નામ છે હજારનું ભારતીય તત્ત્વજ્ઞાન સૌ સમક્ષ પ્રસ્તુત કરે છે.
પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન - એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી પર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવ-રક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે.
આ વાત પરથી લાગે છે કે આવી વાત વિશ્વ સમક્ષ કહેવાના હકદાર આપણે જ છીએ કેમકે…ભારતીય સનાતન હિંદુ સંસ્કૃતિના વાહકો આપણે કૃણવંતો વિશ્વમ્ આર્યમ્ મંત્ર સાથે વિશ્વની સુખાકારી માટે આત્મીયતા અને બંધુતા સાથે વિશ્વના ખૂણે ખૂણે ગયા હતા. આપણે વિશ્વને હ્રદયથી જીત્યું હતું. ભારતે વિશ્વને આપ્યું છે,લૂટ્યું નથી.
"જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતાં અનેકગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો."
યુગોયુગોથી ‘દાનવતા પર માનવતાનો પૂર્ણ વિજય છે ધ્યેય આપણું’ એ ભારતની સંકલ્પના રહી છે. વિશ્વને આતંકવાદ, ધર્માંધતા, ઔપનિવેશિકતા-સામ્રાજ્યવાદ-પૂંજીવાદ, શોષણથી મુક્તિ માટે આજે પણ ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિ કટિબદ્ધ છે.
વિશ્વ ધર્મ પરિષદની આ સભામાં હિન્દુ ધર્મની જુદી જુદી શાખાઓનું પ્રતિનિધિત્વ ધરાવતા હિન્દુઓ હાજર હતા. પરંતુ હિન્દુ ધર્મ વિશે સર્વવ્યાપી દૃષ્ટિબિંદુ સ્વામીજીએ ખૂબ સારી રીતે રજૂ કર્યો હતો.
- ભારત ભૂમિમાંથી ઉદ્ભવેલ દરેક પંથ સંપ્રદાયનો સમાન સંદેશ….
सर्वभूत हिते रता:, निर्वेर सर्वे भूतेषु (સૌના હિતમાં પ્રવૃત્ત રહો. પ્રાણીમાત્ર પ્રત્યે વેર ન રાખો.)
भवतु सब्ब मंगलम् (સૌનું મંગલ હો._તથાગત બુદ્ધ)
सरबत दा भला (સૌનું ભલુ થાઓ_ગુરુ નાનકદેવ)
णो हिणते णो आईरित (સંસારમાં કોઈ હીન નથી કે કોઈ નિમ્ન નથી. સૌ સમાન છે_ભગવાન મહાવીર સ્વામી)
- ભારતીય સનાતન સંસ્કૃતિની પ્રાર્થના :
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:, पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:। वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:, सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥ ॐ शान्ति: शान्ति: शान्ति:॥
(ડો. મહેશ ચૌહાણ)