ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટરનો પ્રારંભ
- વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અપાશે,
- વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરાયુ,
- સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ માટે પ્રેરિત કરે છેઃ કૂલપતિ
ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર 29 સ્થિત કેમ્પસ ખાતે સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટર (SVEC)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડવાનો છે.
પાટનગર ગાંધીનગર સ્થિતિ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટર (SVEC)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે કુલપતિ ડૉ. ટી.એસ. જોષી, કુલસચિવ ડૉ. નીલેશ પંડ્યા, SVECના સંયોજક ડૉ. સંજય પટેલ, ગવર્મેન્ટ લૉ કોલેજ, હિંમતનગરના પ્રિન્સિપાલ ડૉ. બિનલ પટેલ અને DACE, CUGના નોડલ ઓફિસર પ્રો. રાજેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ, મૂલ્યશિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કરે છે. તેમણે ઉમેર્યું કે, આ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સુવ્યવસ્થિત માર્ગદર્શન અને તાલીમ પ્રાપ્ત થશે. સ્વામી વિવેકાનંદ એક્સલન્સ સેન્ટર (SVEC)ના શુભારંભ સાથે વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. બિનલ પટેલે ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટેના અગત્યના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે સાયબર ક્રાઇમથી બચવા અને વ્યક્તિગત માહિતીના સંરક્ષણ અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સલન્સના શુભારંભ દ્વારા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે સાથે ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે.