સ્વદેશી જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો
સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.આ કેન્દ્ર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ સ્વદેશી ઉદ્યોગોને મજબૂત કરવા, વિદ્યાર્થીઓમાં રોજગારી અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ લાવવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તરફ દોરી જશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, વિશેષ અતિથિ પશ્ચિમ કર્ણાવતી વિભાગ ના મા. સંઘચાલકજી હરેશભાઇ ઠક્કર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડીગ કમીટી ચેરમેન જસવંત ભાઈ પટેલ, સ્વાવલંબી ભારત અભિયાનના ગુજરાત પ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલી પ્રદેશ સંરક્ષક ડો. મયૂરભાઇ જોષી, સ્વાવલંબી ભારત અભિયાનના ગુજરાત પ્રાંતના સમન્વયક હાર્દિકભાઇ વાછાણી તેમજ અમદાવાદના ડીસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટરના આસિસ્ટન્ટ કમિશ્નર તેજસભાઇ મેહતા તરીકે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ માં લગભગ ૨૦૦ થી વધારે અન્ય સંસ્થાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમાજ અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિક ગણ તેમજ વેપારી મિત્રો એ હાજરી આપી.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી સ્તુતી વંદના અને દીપ પ્રાગટ્યથી અને કેન્દ્રનો વિધિવત્ શુભારંભ મુખ્ય અતિથી શ્રી હર્ષદભાઇ પટેલ તથા વિશેષ અતિથિઓના હસ્તે થયું. ધારાસભ્ય હર્ષદભાઈએ વર્તમાન પરિપેક્ષ્યમાં રોજગારી અંગેની ઉદ્યોગોમાં વધતી જતી માંગ અને બેરોજગારીની વિદ્યાર્થીઓની સમસ્યા વચ્ચેના અસંતુલન વિશે વિસ્તારપૂર્વક ભાષણ કર્યુ અને જિલ્લા સ્વાવલંબન કેન્દ્રને આ વિષય પર કાર્ય ગતિપૂર્વક આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી. તેજસભાઇ મેહતાએ સરકાર દ્વારા સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોની તથા સ્ટાર્ટ અપ્સની સ્થાપના તેમજ વિકાસ માટે વર્તમાનમાં ચાલુ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી. વધુમાં આર્ટિસન તેમજ માનવ કલ્યાણ યોજનાઓનો મહત્તમ લાભાર્થીઓ સુધી પહોચે તે માટે પ્રશાશનની કટિબદ્ધતા દર્શાવી.
ડો. મયૂરભાઇ જોષી એ જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર ની પરિકલ્પના તેમજ હાલની રોજગાર તેમજ ઉદ્યોગ ધંધાદારીઓની અપેક્ષાઓને પરિપૂર્ણતા તરફ લઇ જવા કેન્દ્ર દ્વારા કઇ રીતે પ્રયત્ન કરશે તે અંગે માહિતી આપી હતી. જસવંતભાઈ પટેલે ભારતના ભવ્ય ભૂતકાળ, વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય અંગે છણાવટ ભર્યું ભાષણ આપ્યું. નજીકના ભૂતકાળમાં આવી પડેલ અકલ્પનીય પરિસ્થિતિઓમાંથી ભારતની ઉદ્યમિતા તેમજ તત્કાલીન વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી ભારત કેવી રીતે ઉભરી આવ્યું તે સફળતાની વાત શ્રોતાઓ સમક્ષ મૂકી. હરેશભાઇ ઠક્કરે માત્ર આર્થિક વિકાસ પર જ ભાર ન આપતા નૈતિકતાના મૂલ્યો પર આધારિત પ્રગતિ તથા અક્ષય વિકાસ પદ્ધતિ પર ભાર મૂક્યો. જિલ્લા સ્વાવલંબન કેન્દ્ર આ વિષય પર કાર્ય કરનાર એક વધુ સંસ્થા ન બને અને ધરાતલ પર કંઇક વિશેષ રીતે કાર્ય કરે તેવી ટકોર પણ કરી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત બાદ ‘મારો જિલ્લો, મારો દેશ’ અને ‘જય સ્વદેશી’ એવા પ્રગતીશીલ ઉદ્ઘોષ સાથે થયું.