વાવની વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડતા માવજી પટેલ સહિત 5 ભાજપમાંથી સસ્પેન્ડ
- માવજી પટેલે પાટિલનો પાવર ઉતારવાની વાત કરી હતી,
- મતદાનને બે દિવસ બાકી છે, ત્યારે કેમ નિર્ણય લેવાયો,
- માવજી પટેલે કોનું ગણિત બગાડશે ?
પાલનપુરઃ બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડતા માવજી પટેલ (ચૌધરી) વચ્ચે રસાકસીભર્યો જંગ જામ્યો છે. ભાજપના બળવાખોર માવજી પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલનો પાવર ઉતારવાનો પકડાર ફેંક્યા બાદ ભાજપે બળવાખોર માવજી પટેલ સહિત તેને સમર્થન આપનારા 5 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાનના બે દિવસ પહેલાં જ ભાજપ પક્ષે કડક કાર્યવાહી કરી છે. પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, દેવજીભાઈ પટેલ, દલારામભાઈ પટેલ અને જામાભાઈ પટેલને પણ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વાવની બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોણ જીતશે તે હાલ કોઈ કહી શકે તેમ નથી. ભાજપના બળવાખોર અને અપક્ષ લડી રહેલા માવજી પટેલે એડીચોટીનું જોર લગાવ્યું છે. માવજીભાઈ કોનો વિજ્યરથ રોકશે તે કહેવું હાલ મુશ્કેલ છે. ચૌધરી સમાજનું માવજીભાઈને સમર્થન મળી રહ્યું હોવાથી ભાજપ ચિંતિત બન્યો છે. માવજીભાઈ પટેલે ગઈ તા, 5 નવેમ્બરે કહ્યું હતું કે, પાટીલનો પાવર ઉતારવો છે. આ નિવેદનના 5 દિવસ બાદ 10 નવેમ્બરે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે બે દિવસ બાકી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિ-પાંખીયો જંગ પણ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ મેદાને છે.