સુરત જિલ્લાના જોળવા ગામેથી વધુ 14 લાખની કિંમતનું નકલી ગણાતું શંકાસ્પદ ઘી પકડાયું
- શંકાસ્પદ ઘીના ગોદામમાં પોલીસે પાડ્યો દરોડો
- સુરતમાં અગાઉ શંકાસ્પદ ઘી પકડાયા બાદ તેનો રેલો જોળવા ગામ સુધી પહોંચ્યો
- નકલી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા
સુરતઃ ગુજરાતમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરીને લોકોના આરોગ્. સાછે ચેડા કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરના મ્યુનિ. કોર્પોરેશન આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. હવે તો પોલીસ દ્વારા પણ નકલી ચિજ-વસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં થોડા દિવસ પહેલા પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ જેટલા સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરત જિલ્લાના જોળવા ગામ સુધી પહોચ્યો છે. પોલીસે આ ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો 14 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. આ ફેક્ટરીના ગોડાઉનમાંથી જ સુરત શહેર અને જિલ્લામાં ઘી સપ્લાય કરાતું હોવાનું અનુમાન છે. આ સાથે જ ઘીમાં કલર અને વનસ્પતિ એસેન્સનો ઉપયોગ થતો હોવાની શંકા છે તેના પગલે સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત સીટી અને જિલ્લો જાણે નકલી ચીજ વસ્તુઓનું હબ બની ગયું એવું લાગી રહયું છે. છેલ્લા ઘણાં સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે. ત્યારે સુરત શહેરમાંથી મળેલા શંકાસ્પદ ઘીની તપાસનો રેલો ગત રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉન સુધી પહોંચ્યો હતો. પોલીસે દરોડો પાડી 14 લાખથી વધુનુ શંકાસ્પદ ધીનો જથ્થો કબજે કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના જોળવા ખાતે 14.48 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. જોળવા ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13, 14માં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાંથી ઘી જેવું શંકાસ્પદ પ્રવાહી ભરેલું હોય તેના સેમ્પલ FSL ટીમને સાથે રાખી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરત સિટીમાં પુણા અને સારોલી વિસ્તારમાં આવેલા ત્રણ સ્ટોરમાં પોલીસ અને પાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 65 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. સુરત પાલિકાના ફૂડ વિભાગ અને પોલીસ વિભાગે મળેલી માહિતીના આધારે પુણાના પરવટ પાટીયા નજીક આવેલા નારાયણ કોમ્પ્લેક્ષમાં તથા રાજપુરોહિત ટ્રાન્સપોર્ટ નગરમાં છાપો મારી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયો, હતો. અહીં શિવ શક્તિ ફુડ્સ એન્ડ ડેરી પ્રોડક્ટસ માલિક ઉમારામ મીઠાલાલ માલી પાસેથી ગીર પ્રીમિયમ ક્વોલીટી કાઉ ઘી અને દેશી કાઉ ઘીના જુદી જુદી બ્રાન્ડના અલગ અલગ સાઇઝના જાર, ડબ્બા, પાઉચ મળી આશરે 10380 લીટર ઘી નો કુલ 65.13 લાખનો જથ્થો કબજે લઇ સિઝડ અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે.