ઝાલાવાડ પંથકના 6 ડેમ ઓવરફ્લો, 5 ડેમ 70 ટકાથી વધુ ભરાયા
- સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યાનો અંત,
- તમામ તાલુકામાં સરેરાશ જે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો,
- નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડાયુ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પ્રથમ વરસાદે જિલ્લાના 11 ડેમમાંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બાકીના 5 ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જેમાં નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયા છે. નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધોળીધજા ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. આ વરસાદે જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂન માસના બીજા સપ્તાહ સુધી ડેમોમાં માત્ર 25થી 28 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો હતો. જો વરસાદ ખેંચાય તો પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના એંધાણ હતા. પરંતુ જૂન માસના ત્રીજા સપ્તાહની શરૂઆતમાં જ સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. તમામ તાલુકામાં અંદાજે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ચોટીલા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં સારા વરસાદના કારણે નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયા છે. નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધોળીધજા ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ડેમ જેવા કે મોરસલ, ત્રિવેણી ઠાંગા, ફલકુ, નીંભણી અને ધારી ડેમમાં 70 ટકાથી વધુ નવા નીરની આવક થઈ છે. આમ, સિઝનના પ્રથમ વરસાદે જ કુદરતની મહેરથી જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે.