મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબી ગયેલા સુરતના યુવાનની 14 દિવસથી ભાળ મળી નથી
- સુરતનો 32 વર્ષીય યુવાન કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો,
- 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે યુવાન તેના મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો,
- નાગવાસુકી ઘાટ પર યુવાને 6 ડુબકી લગાવ્યા બાદ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો
સુરતઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. ત્રિવેણી સંગમ પર કરોડો લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. જેમાં ગુજરાતમાંથી પણ ટ્રેન, બસ અને ખાનગી વાહનોમાં મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં પહોંચ્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયાનું પ્રયાગરાજ મહાકુંભમાં પોતાના મિત્રો સાથે ગયા હતા, જ્યાં નાગવાસુકી ઘાટ પર સ્નાન કરતા સમયે કમલેશ વઘાસિયા ડૂબી જતા લાપતો બન્યો હતો.આ બનાવને 14 દિવસનો સમય વિતી જવા છતાં હજુ સુધી કમલેશની કોઈ ભાળ મળી નથી. કમલેશ એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કાર્યરત હતા.
આ બનાવની વિગતો એવી છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો કમલેશ તેમના સહકર્મી અક્ષય ચૌહાણ સાથે ગઈ તા. 8મી ફેબ્રુઆરીએ સુરતથી પ્રયાગરાજ મહાકુંભ યાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં તેમણે રીવા, વારાણસી અને અયોધ્યાની મુલાકાત લીધી હતી. અને 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. ભીડને કારણે બંને મિત્રો નાગવાસુકી ઘાટ પર ગયા હતા. તેમણે વારાફરતી ડૂબકી લગાવવા અને વીડિયો બનાવવાનું નક્કી કર્યું હતું. કમલેશે છ ડૂબકી લગાવ્યા બાદ તેમનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અક્ષયે તરત જ પોલીસ અને NDRFને જાણ કરી હતી. ત્યારબાદ કમલેશ શોધખોળ કરવામાં આવી હતી. ફણ કોઈપત્તો લાગ્યો નથી. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે કમલેશનો કોઈ પત્તો લાગે તેવી આશા પરિવાર સેવી રહ્યો છે. આ સાથે જ પરિવારજનો પ્રયાગરાજ ગયાં હતાં તેઓ હાલ પણ ત્યાંના પોલીસ તંત્ર સહિતના સાથે સંપર્કમાં છે. મહાકુંભ સમાપ્ત થયા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવે અને કમલેશનો કોઈ પત્તો લાગે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.