બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ
• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા
• સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે
• ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે
સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની સાડીઓ સળગાવીને ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ત્યારે આવી હરકતોથી સુરતના કાપડના વેપારીઓ રોષે ભરાયા છે. અને બાંગ્લાદેશના રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકવાની સુરતના વેપારીઓએ માગણી કરી છે. બીજીબાજુ સુરતમા મોટા કાપડના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ સલવાણા છે, એટલે ભારત સરકારે આ અંગે દરમિયાનગીરી કરવા માગ ઊઠી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતમાં ઘેરા પડઘા પડ્યા છે. બાંગ્લાદેશમાં સ્થાનિક રાજકીય નેતાઓએ ભારતમાં બનેલી સાડી સળગાવી ભારતના કાપડ ઉદ્યોગને નિશાના પર લીધો હતો. બાંગ્લાદેશમાં સાડી સળગાવી કરાતા વિરોધપ્રદર્શનનો વીડિયો વાઈરલ થયા બાદ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના વેપારીઓએ ત્યાંથી આવતાં રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધની માગ કરી છે. તો સાથે ભારત સરકાર સુરતના કાપડ વેપારીઓના ત્યાં ફસાયેલા 500 કરોડ રૂપિયા પરત અપાવવામાં જરૂરી મદદ કરે એવી પણ માગ કરવામાં આવી છે.
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વભરની અંદર ફેલાયેલો છે. સુરતનું કાપડ વિશ્વના એવો કોઈ દેશ નથી કે જ્યાં નિકાસ થતું ન હોય. આજે વિશ્વમાં ચીન બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી વધુ સ્પર્ધા બાંગ્લાદેશ આપી રહ્યું છે. બાંગ્લાદેશ આજે વિશ્વનું રેડીમેડ ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. બાંગ્લાદેશમાં રાજકીય નેતાઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નિશાન આપવા લઈ રહ્યા છે. જાહેર સભાઓમાં નેતાઓ દ્વારા સાડીઓ સળગાવવામાં આવી રહી છે અને સુરતથી સાડીઓ બાંગ્લાદેશમાં ન આવે એ માટેની જાહેર મંચ ઉપરથી માગણી કરી રહ્યા છે. સુરતની સાડીઓને આ રીતે સળગાવેલી સ્થિતિમાં જોતાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં પણ બાંગ્લાદેશી નેતાઓને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા વખતે સુરતના કપડા વેપારીઓએ ક્રેડિટથી કાપડ મોકલ્યું હતુ. એના પૈસા હજી સુધી ચુકવાયા નથી. એક અંદાજ મુજબ 500 કરોડ કરતાં વધારેની રકમ સુરતના વેપારીઓની બાંગ્લાદેશમાં ફસાઈ ગઈ છે. બાંગ્લાદેશી વેપારીઓ સુરતના વેપારીઓની બિલની ચુકવણી કરતા નથી. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બાંગ્લાદેશમાં ફસાયેલા વેપારીઓ પાસેથી ઝડપથી રૂપિયા રિકવર થઈ શકે એ પ્રકારની ત્યાંની સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ.
બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કરવામાં અગ્રેસર છે. વિશ્વની સૌથી મોટી ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બાંગ્લાદેશમાં ચાલી રહી છે, પરંતુ રાજકીય અશાંતિને કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ બંધ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લે અને બાંગ્લાદેશથી આવતાં ગાર્મેન્ટ પર રોક લગાડે તો આપણા દેશના ગાર્મેન્ટ ઉદ્યોગને વધુ વેગ મળી શકે છે. અત્યારે પણ ભારત દેશમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે તેજી આવી એ ઐતિહાસિક છે. સરકાર બાંગ્લાદેશથી આવતાં ગાર્મેન્ટ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દે તો એનો સીધો ફાયદો ભારત દેશના મેન્યુફેક્ચરને મળી શકે એમ છે, જેનાથી કરોડો રૂપિયાની વિદેશી હુંડિયામણ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાંથી મળી શકે છે.