સુરતઃ મિત્રની હત્યા કરનારો આરોપી 15 વર્ષ બાદ ઓડિશાથી ઝડપાયો
સુરતઃ અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી. રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રામચંદ્રને જમવા બાબતે પોતાના મિત્ર ભગવાન નાયક સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે અદાવત રાખીને તેને ભગવાન નાયકને ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નિપજાવ્યું હતું.
મિત્રની હત્યા કર્યા બાદ આરોપી રામચંદ્ર પોલીસથી બચવા માટે તાત્કાલિક સુરત છોડીને ટ્રેન માધ્યમથી મુંબઈ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ તેને પકડી ન શકે એટલા માટે તે મુંબઈથી બેંગલોર જેવા શહેરોમાં થોડા થોડા દિવસો રોકાયો હતો. છેલ્લા 12 વર્ષથી તે ચોરી છૂપીથી ઓડિશાના ભુવનેશ્વર ખાતે રહેતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી રામચંદ્ર ઓડિશાના ભવનેશ્વરના શિશુવિહાર પાટીયા ખુરદા વિસ્તારમાં રહે છે અને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.