સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બની
સુરતઃ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીના સી.એસ.આર.ફંડના પહેલ પ્રોજેકટ ગ્રીન અંતર્ગત ૨૫ જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે ગુહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આજના આધુનિક ટેકનોલોજી યુગમાં એ.એમ.એન.એસ. ઈન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે. વધુમાં તેમણે કહ્યું કે, વિકટ પરિસ્થિતિમાં શોપીંગ, માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે પણ બેલેન્સિગ ઈ-બાઈકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોચી શકશે. જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ - કોર્પોરેટ અફેર્સના ડો.અનિલ મટુએ કહ્યું કે, એ.એમ.એન.એસ. ઈન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમ બધ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે. ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે.