બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવનારાઓને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આને લગતી એક જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. વાસ્તવમાં પીઆઈએલમાં દેશમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ પીઆઈએલ ડૉ. કે.એ. પૉલે દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે અરજદારને પૂછ્યું કે, તમને આ પિટિશન દાખલ કરવાનો શાનદાર આઈડિયા કેવી રીતે આવ્યો? જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું, 'જ્યારે તમે ચૂંટણી જીતો છો, ત્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે છેડછાડ કરવામાં આવતી નથી. જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે EVM સાથે છેડછાડ કરવામાં આવે છે.
પિટિશનમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવા ઉપરાંત ઘણી સૂચનાઓ માંગવામાં આવી હતી. આમાં ચૂંટણી પંચને નિર્દેશ આપવાનો સમાવેશ થાય છે કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદારોને પૈસા, દારૂ અથવા અન્ય પ્રલોભનોની ઓફર કરવા માટે દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે. જ્યારે અરજદાર કેએ પોલે કહ્યું કે, તેમણે પીઆઈએલ દાખલ કરી છે, ત્યારે બેન્ચે કહ્યું, 'તમારી પાસે રસપ્રદ પીઆઈએલ છે. તમને આ મહાન વિચારો ક્યાંથી આવ્યા?' તેના પર અરજદારે કહ્યું કે તે એવી સંસ્થાના પ્રમુખ છે જેણે ત્રણ લાખથી વધુ અનાથ અને 40 લાખ વિધવાઓને બચાવી છે. તેના પર ખંડપીઠે કહ્યું, તમે આ રાજકીય મેદાનમાં કેમ આવી રહ્યા છો? તમારું કાર્ય ક્ષેત્ર ઘણું અલગ છે. અરજદાર પૉલે કહ્યું કે તેઓ 150 થી વધુ દેશોમાં ગયા છે, ત્યારે બેન્ચે તેમને પૂછ્યું કે શું ત્યાં મતદાન બેલેટ પેપર દ્વારા થાય છે કે દરેક દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અરજદારે કહ્યું કે અનેક દેશમાં બેલેટ પેપર વોટિંગ અપનાવ્યું છે અને ભારતે પણ આવું કરવું જોઈએ.