5 લાખ વિચારાધીન કેદીઓ મતાધિકારથી વંચિત મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને ચૂંટણીપંચને નોટિસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એક જનહિત અરજીમાં મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, શું નાના-મોટા ગુનાઓમાં કેસનો સામનો કરતા આરોપીઓ અને હજી દોષિત જાહેર ન થયેલા લોકોના મતાધિકાર છીનવી લેવો ન્યાયસંગત છે? અરજીમાં જણાવ્યું હતું કે, કાયદાનો મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે. છતાંયે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RP Act)ની કલમ 62(5) મુજબ, આશરે 5 લાખ વિચારાધીન કેદીઓને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. વકીલ પ્રશાંત ભૂષણની દલીલો બાદ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગને આ મુદ્દે જવાબ આપવા જણાવ્યું છે.
'પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2023' મુજબ, દેશમાં કુલ કેદીઓમાંના 73.5% વિચારાધીન કેદી છે એટલે કે 5.3 લાખમાંથી આશરે 3.9 લાખ લોકો સામે હજી કેસ ચાલી રહ્યા છે. અરજદારનું કહેવું છે કે, આવા લોકોનો મતાધિકાર છીનવી લેવો અયોગ્ય અને લોકશાહી સિદ્ધાંતોના વિરુદ્ધ છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 62(5) અનુસાર, “કોઈપણ વ્યક્તિ જેલમાં કેદ હોય ત્યારે તે કોઈ પણ ચૂંટણીમાં મત આપી શકશે નહીં, ભલે તે સજાના અંતર્ગત હોય કે કાયદેસર કસ્ટડીમાં.” પરંતુ નિર્વારક ધરપકડ હેઠળ રાખવામાં આવેલા લોકો માટે આ પ્રતિબંધ લાગુ પડતો નથી. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ જોગવાઈ વિચારાધીન કેદીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
અરજદારે ચૂંટણીપંચને વિનંતી કરી હતી કે, જેલમાં મતદાનની વ્યવસ્થા અથવા ડાક મતપત્ર (Postal Ballot) જેવી સુવિધા શરૂ કરવામાં આવે. જો કેદી પોતાના મતવિસ્તારની બહારની જેલમાં હોય, તો તેને દુરસ્થ મતદાનની સુવિધા આપવામાં આવે. આથી વિચારાધીન કેદીઓને પણ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળશે. અરજીમાં ઉલ્લેખ છે કે, પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં વિચારાધીન કેદીઓને મત આપવા દેવામાં આવે છે, જે ભારતની હાલની નીતિ પર સવાલ ઉભો કરે છે. ભારતમાં 75%થી વધુ કેદી વિચારાધીન છે, અને અનેક કેસોમાં આવા લોકો વર્ષો બાદ નિર્દોષ ઠરતા હોય છે છતાંયે તેમને દાયકાઓ સુધી મતાધિકારથી વંચિત રાખવામાં આવે છે.