અંગદાન મુદ્દે સમગ્ર દેશમાં એકસરખા નિયમો બનાવો, સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ
નવી દિલ્હીઃ ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોનું દ્વાર ખુલ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપતાં કહ્યું કે, દેશભરમાં અંગદાન માટે એકસરખી નીતિ અને એકસરખા નિયમો લાગુ કરવા સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવાઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આદેશ ભારતીય સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની જાહેર હિત અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે કેટલાક રાજ્ય હજુ પોતાની અલગ નીતિ પર ચાલે છે, જે દર્દીઓ અને દાતાઓ વચ્ચે અસમાનતા ઊભી કરે છે. કોર્ટએ કહ્યું કે અલગ-અલગ રાજ્યના અલગ નિયમોથી દાતા–દર્દી બંને માટે અસંગતતા અને અપ્રમાણિક પરિસ્થિતિ સર્જાય છે.
કોર્ટએ કેન્દ્રને એકરૂપ રાષ્ટ્રીય નીતિ બનાવવા જણાવ્યું, જેમાં અંગોના વહેચાણ માટે મોડેલ નિયમ, લિંગ અને જાતિ આધારિત ભેદભાવ દૂર કરવા પગલાં, દાતાઓ માટે સમાન માપદંડ અને રાષ્ટ્રીય એકીકૃત ડેટાબેઝની રચનાનો સમાવેશ થાય. અરજદારે જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં દાતા અને દર્દીઓ માટે એક જ સ્થળે ઉપલબ્ધ કોઈ એકરૂપ ડેટાબેઝ નથી, જેના કારણે પ્રક્રિયા ધીમી પડે છે અને અમીર–ગરીબ વચ્ચેનો અંતર વધે છે. અહેવાલ મુજબ, આજે પણ 90% ટ્રાન્સપ્લાન્ટ ખાનગી હોસ્પિટલોમાં થાય છે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં ભાગીદારી અત્યંત ઓછી છે. મણિપુર, નાગાલેન્ડ, અંડમાન–નિકોબાર અને લક્ષદ્વીપ જેવા રાજ્ય–કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ સુધી સ્ટેટ ઑર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઈઝેશન (SOTO) નથી. કોર્ટએ કેન્દ્રને કહ્યું કે તે રાજ્યો સાથે ચર્ચા કરીને તાત્કાલિક આ સંસ્થાઓની સ્થાપના કરાવે.
સુપ્રીમ કોર્ટએ જીવિત દાતાઓના શોષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ જીવિત દાતાઓની સુરક્ષા, દાન બાદ તેમની તબીબી દેખરેખ અને વ્યાવસાયિકીકરણ અને ગેરકાયદેસર વેપાર અટકાવવા સ્પષ્ટ મિકેનિઝમ બનાવવાની સૂચના આપી હતી. કોર્ટએ જન્મ–મૃત્યુ રજીસ્ટ્રેશન ફોર્મોમાં (ફોર્મ 4 અને 4A) બે મહત્વના કોલમ ઉમેરવા કહ્યું કે, મૃત્યુ બ્રેઈન ડેથથી થયું કે નહીં? તથા પરિવારને અંગદાનનો વિકલ્પ જણાવાયો કે નહીં? આથી બ્રેઈન ડેથ દર્દીઓના અંગોનું કાયદેસર અને સન્માનપૂર્વક દાન શક્ય બને એવી અપેક્ષા છે.