બિહારમાં મતદાર યાદી ખાસ સુધારા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટે દસ્તાવેજ મુદ્દે ચૂંટણી પંચને કર્યો નિર્દેશ
નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી ખાસ સુધારા અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. લાંબી ચર્ચા બાદ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સુધારા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર કાર્ડનો સમાવેશ કરવા અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, ત્રણ મુદ્દાઓ પર જવાબ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને વધુ સુનાવણીની 28 જુલાઈ સુધી મુલત્વી રાખી છે.
સુપ્રીમ કોર્ટે મતદાર યાદીના ખાસ સઘન સુધારણા પર રોક લગાવી નથી, કારણ કે અરજદારોએ વચગાળાનો સ્ટે માંગ્યો નથી. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ જોયમાલા બાગચીની બેન્ચે કહ્યું કે, આપણે કોઈ બંધારણીય સંસ્થાને જે કરવું જોઈએ તે કરવાથી રોકી શકીએ નહીં. કોર્ટે ચૂંટણી પંચને તેનું સોગંદનામું દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જ્યારે અરજદારોને એક અઠવાડિયા પછી જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબ માંગ્યા છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના વકીલને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે કોર્ટ સમક્ષનો મુદ્દો લોકશાહીના મૂળ અને મતદાનના અધિકાર સાથે સંબંધિત છે. અરજદારો માત્ર ચૂંટણી પંચના ચૂંટણી યોજવાના અધિકારને જ પડકારી રહ્યા નથી, પરંતુ તેની પ્રક્રિયા અને સમયને પણ પડકારી રહ્યા છે. આ ત્રણ મુદ્દાઓનો જવાબ આપવાની જરૂર છે.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ચૂંટણી પંચના વકીલને કહ્યું કે તમે આ પ્રક્રિયાને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ સાથે કેમ જોડી રહ્યા છો? આ એક એવી પ્રક્રિયા છે જે સમગ્ર દેશની ચૂંટણીઓથી સ્વતંત્ર હોઈ શકે છે. આ અંગે ચૂંટણી પંચના વકીલે કહ્યું કે, પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે કોઈને પણ સાંભળવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં.
ચૂંટણી પંચના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે જેનો મતદારો સાથે સીધો સંબંધ છે અને જો કોઈ મતદારો નહીં હોય, તો અમારું અસ્તિત્વ રહેશે નહીં. કમિશન ન તો કોઈને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો ઇરાદો ધરાવે છે અને ન તો કરી શકે છે, સિવાય કે કાયદાની જોગવાઈઓ દ્વારા કમિશનને આમ કરવાની ફરજ પાડવામાં આવે. આપણે ધર્મ, જાતિ વગેરેના આધારે ભેદભાવ કરી શકતા નથી.