જામીન અને આરોગતરા જામીન અરજીનો નિકાલ 6 મહિનામાં કરવા દેશની અદાલતોને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરના હાઈકોર્ટો અને નીચલી અદાલતોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જામીન તથા આગોતરા જામીન સંબંધિત અરજીઓનો નિકાલ 6 મહિનાની અંદર કરવામાં આવે. ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની પીઠે સ્પષ્ટ જણાવ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતાના હક સાથે સીધો સંબંધ ધરાવતી આ પ્રકારની અરજીઓને વર્ષો સુધી બાકી રાખી શકાતી નથી.
અદાલતે કહ્યું કે લાંબી વિલંબિત પ્રક્રિયા ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ના હેતુને નિષ્ફળ બનાવે છે અને બંધારણના કલમ 14 અને 21માં સમાવાયેલ મૂલ્યોના વિરોધમાં છે. જામીન અને આરોતરા જામીન અરજીઓના ગુણ-દોષના આધારે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, તેને લટકાવી રાખવી યોગ્ય નથી. આ મામલે દરમિયાન જાણવા મળ્યું કે એક આગોતરા જામીન અરજી 2019માં બોંબે હાઈકોર્ટમાં દાખલ થઈ હતી, જે 2025 સુધી લંબાઈ. સુપ્રીમ કોર્ટએ આ પ્રથાની કડક ટીકા કરી અને જણાવ્યું કે આ પ્રકારની વિલંબિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપી શકાતું નથી.
બોંબે હાઈકોર્ટએ ખોટી દસ્તાવેજી કાર્યવાહી અને ગેરકાયદે જમીન હસ્તાંતરણ સંબંધિત કેસમાં ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી. તેમાંના બે આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટએ હાઈકોર્ટનો આદેશ યથાવત્ રાખ્યો પરંતુ છ વર્ષ સુધી અરજી લંબાવી રાખવા બદલ હાઈકોર્ટને આડે હાથ લીધી હતી, તેમજ સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે જો આ આરોપીઓને કેસમાં પકડવામાં કરવામાં આવે તો તેઓ નિયમિત જામીન માટે અરજી કરી શકશે.