પટણામાં બપોરે એકાએક મોટા મોટા હોર્ડિંગ લાગ્યા "બિહાર કા મતલબ નીતિશ કુમાર"
પટણા, 14 નવેમ્બર, 2025ઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે આજે બપોરે રાજધાની પટણામાં એકાએક વિશાળ હોર્ડિંગ લાગી રહ્યા છે જેમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર લખેલું જોવા મળે છે.
વિશાળ હોર્ડિંગ જેડી(યુ)ના એક કાર્યકરે લગાવ્યું છે જેમાં નીતિશ કુમારનો વિશાળ ફોટો મૂકવામાં આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ હોર્ડિંગ મૂકનાર પક્ષના કાર્યકરના ફોટોનું કદ એક સમાન છે.
રાજ્યમાં અત્યાર સુધી (બપોરે એક વાગ્યા સુધી) થયેલી મતગણરીના ટ્રેન્ડ અનુસાર એનડીએ જોડાણ 198 બેઠક ઉપર આગળ છે જ્યારે મહાગઠબંધન 39 બેઠકો પર આગળ છે.
એનડીએ જોડાણમાં ભાજપ 90 કરતાં વધુ બેઠકો ઉપર આગળ છે જ્યારે નીતિશ કુમારનો જેડી (યુ) પક્ષ 80 બેઠક ઉપર લીડ સાથે આગળ વધી રહ્યો છે. આ જોડાણનો ત્રીજો પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 20 બેઠક સાથે લીડ કરી રહ્યો છે.
તેની સામે વિપક્ષ મહાગઠબંધનનો મુખ્ય પક્ષ આરજેડી 29 બેઠકો ઉપર આગળ છે અને કોંગ્રેસ પાંચ બેઠક ઉપર લીડ કરે છે.
જોકે, પટણામાં મુખ્ય માર્ગો ઉપર તેમજ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર પોસ્ટરો અને હોર્ડિંગ લાગવાથી ભાજપ સહિત એનડીએના સાથી પક્ષોને એવો સંદેશો આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું લાગે છે કે મુખ્યમંત્રી તો નીતિશકુમાર જ રહેશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર લાગેલા પોસ્ટરમાં તો એવું લખવામાં આવ્યું હોવાનું કહેવા છે કે, ટાયગર અભી જિંદા હૈ.