સુદાનઃ અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સના ગોળીબારમાં 8ના મોત
સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા અને 53 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખાર્તુમ રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, RSF મિલિશિયાના સતત ગોળીબારમાં ખાર્તુમના ઉત્તરમાં કરારી વિસ્તાર અને ખાર્તુમની પૂર્વમાં આવેલા શાર્ક અલનીલ વિસ્તારમાં 4 નાગરિકો માર્યા ગયા છે. જ્યારે 43 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
તદુપરાંત, સુદાનીઝ સશસ્ત્ર દળોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે અલ ફાશરમાં રહેણાંક વિસ્તારો પર આરએસએફ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. આફ્રિકન દેશ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. કારણ કે, સશસ્ત્ર દળો અને મિલિશિયા અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે ચાલી રહેલી હિંસા વધી રહી છે.