હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

માણસનો સૌથી મોટો દુશ્મન એની મૂર્ખતા નથી પરંતુ જ્ઞાની હોવાનો એનો ભ્રમ છે

08:00 PM Feb 23, 2025 IST | revoi editor
Advertisement

સખત પરિશ્રમથી પોતાનુ સામ્રાજ્ય ખડુ કરનારાની વાત જ નિરાળી હોય... 

Advertisement

સર વોલ્ટર સ્કોટ બહુ ઊંચા ગજાના સર્જક અને દાદુ ચિંતક પણ ખરા. યાદ છે, વેવરલી સિરીઝ નામની નવલકથાની શ્રેણી ? વેવરલી સિરીઝ જગતભરમાં લોકોએ ખૂબ વાંચી. ધ લે ઓફ લાસ્ટ મિન્સ્ટ્રેલ, લેડી ઓફ ધ લેક, રોકેબી અને લોર્ડ ઓફ આઇલ્સ જેવી ઐતિહાસિક કથાઓનું નિરૂપણ કરતી કવિતાઓના સર્જન બાદ સ્કોટનું નામ બેસ્ટ સેલર રાઇટરમાં આવી ગયું હતું અને વિશ્વના વાંચકોના હદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. એમણે પરિશ્રમના મહાત્મ્યને ઉજાગર કરતા લખ્યું છે કે, કંટાળો, કુટેવ અને આવશ્યકતા જેવી ત્રણ મોટી આફતોમાંથી પરિશ્રમ એકમાત્ર એવું શસ્ત્ર છે કે, જે વ્યક્તિને ઉગારી લે છે. પરિશ્રમ એક મોટી જડીબુટ્ટી છે. વોલ્ટર સ્કોટના મતે કોઈપણ બિઝનેસમાં સફળતા કે નિષ્ફળતા માનસિક ક્ષમતાઓ કરતા માનસિક વલણો ઉપર વધારે અવલંબિત હોય છે.

આજે સ્કોટના પરિશ્રમ અંગેના ચિંતનને અનુરૂપ એક વાસ્તવિક કહાનીમાંથી પસાર થવું છે. વાત છે ગુજરાતના સીમાડે આવેલા કચ્છ જિલ્લાના ભચાઉમાં જન્મેલા અને પોતાની મહેનત અને હોશિયારીથી મોટું ગજુ કાઢનારા એક પરિવારના ફરજનની. ભચાઉમાં રહેતા એક ચુસ્ત જૈન પરિવારમાં પ્રાગજીભાઈ અને પુષ્પાબેનના ઘરે વર્ષ ૧૯૬૩માં બીજા પુત્રનો જન્મ થયો. એનું નામ એમણે આપ્યું જયેશ. એ સમયે પ્રાગજીભાઈ અંજારના બજારોમાં વાસણની ફેરી કરીને જે વાસણો વેચાય એમાંથી પરિવારનુ ગુજરાત ચલાવતા. પ્રાગજીભાઈની સ્થિતિ અત્યંત સામાન્ય હતી. વળી પરિવારમાં બે દીકરા, એક દીકરી અને પત્ની મળીને કુલ પાંચ વ્યક્તિઓનું ભરણપોષણ વાસણની ફેરીઓથી પૂરું કરવામાં સ્વાભાવિક રીતે જ મુશ્કેલીઓ પડતી.

Advertisement

એવામાં વર્ષ ૧૯૬૪માં બે પિતરાઈ ભાઈઓ સાથે વ્યવસાય કરવા માટે પ્રાગજીભાઈ મુંબઈ પહોંચ્યા. ત્રણેય પિતરાઈ ભાઈઓ મુંબઈમાં બાંકડા ઉપર પુસ્તકો પાથરીને પુસ્તક વેચાણનું કામ કરવા લાગ્યા. મોટાભાઈએ નાનાભાઈ પ્રાગજીને કહ્યું કે, અહીં મુંબઇમાં પુસ્તક છાપવા મોંઘા પડશે એટલે તું અમદાવાદ જઈને પુસ્તક છાપવા અને વેચવાની શરૂઆત કરી જો. મોટાભાઈની વાત પ્રાગજીભાઈને ગળે ઉતરી અને વર્ષ ૧૯૬૭માં તેઓ અમદાવાદ આવી ગયા. એમના ગજવામાં ત્યારે માત્ર ₹ ૪૦ હતા. જોકે એ જમાનામાં એમના માટે આ ૪૦ રૂપિયા બે ત્રણ મહિના માટે ગુજરાન ચલાવવા પૂરતા હતા. એમણે શાહપુરમાં નાના ભટવાડાની પોળમાં મકાન ભાડે રાખ્યું અને લીંબુની પોળમાં એક નાનકડી રૂમ ભાડે રાખીને નવભારત સાહિત્ય મંદિર નામની પ્રકાશન કંપની શરૂ કરી.

પુલક ત્રિવેદી

પિતાના પારિવારિક વ્યવસાયમાં બંને પુત્રો પણ જોડાઈને મહેનત કરવા લાગ્યા. તેમનો નાનો પુત્ર જયેશ એસએસસીમાં ભણતો ત્યારથી દુકાને આવતો થઈ ગયો હતો. સવારે શાળા અને કોલેજમાં એ ભણવા જતો અને બપોરે ભોજન કર્યા પછી મોડી સાંજ સુધી પિતાની સાથે દુકાનનું કામકાજ સંભાળતો. કિશોર વયના જયેશના લોહીમાં સખત મહેનત અને ધગશ હતી. કિશોર જયેશ એની ક્ષમતાઓ તો જાણતો જ હતો પરંતુ એનુ સકારાત્મકતાથી ભરેલી માનસિકતાએ કંઇક નવુ કરવા માટે સતત એને પ્રેરણા આપી. આ દડમજલ ચાલી વર્ષ ૨૦૦૮ સુધી. એ પછી પ્રાગજીભાઈના બાળકો અને પિતરાઈ ભાઈઓના બાળકો મોટા થઈ જતા પરિપક્વ સમજ સાથે અલગ અલગ વ્યવસાયમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. અહીંથે આરંભાઇ પ્રાગજીભાઇના નાના પુત્ર જયેશની માનસિક ક્ષમતાઓ અને સકારાત્મક વૈચારિક સમન્વયની કહાની.

નાના પુત્ર જયેશે વર્ષ ૨૦૦૮થી પોતાના અને પિતાના નામને સાંકળીને જેપી ગ્રુપની સ્થાપના કરી. જે એટલે જયેશભાઈ અને પી એટલે પ્રાગજીભાઈ. પિતા પાસેથી મળેલા પ્રકાશનના અનુભવને મોટા ફલક ઉપર મહેનતથી લઈ જવા માટે જયેશભાઈએ જેપી ગ્રુપના નેજા હેઠળ ત્રણ પબ્લિકેશન હાઉસ શરૂ કર્યા અને નામ આપ્યા નવભારત પબ્લિકેશન, નવસર્જન પબ્લિકેશન અને પ્રિન્ટ બોક્સ પબ્લિકેશન. જયેશભાઈએ ગણમાન્ય ગુજરાતી સર્જકોનો સંપર્ક કરીને અનેક અવનવા પુસ્તકો પ્રકાશિત કર્યા. ત્યાર બાદ જયેશભાઈએ સખત મહેનત અને કૌશલ્યના સમન્વયથી ગુડ ન્યુઝ એન્ટરપ્રાઇઝ ડેવલપ કર્યું છે. જયેશભાઈની દુરંદેશી અને કોઠાસુઝને કારણે એમના મોટા પુત્ર વિરાંગે વર્ષ ૨૦૧૩માં ટોયક્રા નામનો આધુનિક સ્ટોર સ્થાપ્યો. વિરાંગની ધર્મપત્ની તાન્યા પણ એની સાથે ખભે ખભા મિલાવીને ટોયક્રાને વધુ ઊંચાઈ ઉપર લઈ જઈ રહી છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં જયેશભાઈના નાના પુત્ર નીલે ગેમબોલ નામનો આધુનિક સ્ટોર બનાવીને એનું સફળતાપૂર્વક સંચાલન હાથમાં લીધું. નીલની પત્ની વેણુ પણ એની હારોહાર ગેમબોલ સ્ટોરમાં સખત મહેનત કરી રહી છે. આજે ટોયક્રા અને ગેમબોલ અમદાવાદના હાર્ટથ્રોબ બની ગયા છે.

વાંચન, પ્રવાસ, રમતગમત અને ફિલ્મોના શોખ ઉપરાંત જયેશભાઈને નવું નવું જાણવાનો અને નવતર વિચારો અમલમાં મુકવાનો જબરજસ્ત ક્રેઝ છે. છેલ્લા એક દોઢ દશકમાં એમણે ન માત્ર પોતાના માટે બલ્કે સમાજ માટે પણ યથાશક્તિ કામ કરવાની દિશામાં નક્કર ડગ માંડ્યા. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ આંગણવાડી બનાવવાના કન્સેપ્ટને લઈને તેઓ આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકાર સાથે કામ કરીને ગુજરાતમાં એમણે અનેક આંગણવાડીઓના કલેવર બદલી નાખ્યા છે. આ ઉપરાંત સ્માર્ટ લાઈબ્રેરી, સ્માર્ટ પંચાયત ઘર, સ્માર્ટ શાળા જેવા અનેક પ્રોજેક્ટ ઉપર જેપી ગ્રુપ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યું છે. આયુષ વેલનેટ સેન્ટરના પ્રોજેક્ટ દ્વારા જેપી ગ્રુપ આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામ કરી રહ્યું છે. એક સામાન્ય પરિવારમાંથી ઊગીને ઊભા થયેલા જયેશભાઈ જાણે છે કે, સમાજને શેની આવશ્યકતા છે. એટલે જ તેઓ શિક્ષણ, આરોગ્ય, રમત ગમત, સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અત્યંત નિષ્ઠાપૂર્વક તેમનું યોગદાન આપી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી જયેશભાઈ એજ્યુક્રા એન્ટરપ્રાઇઝના નેજા હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ જાનદાર અને શાનદાર બનાવવાનું કામ કરી રહ્યા છે. જયેશભાઈનું આ જેપી ગ્રુપ અને ગુડયુઝ એન્ટરપ્રાઇઝ ન માત્ર બિઝનેસ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે બલ્કે સમાજના દબાયેલા, કચડાયેલા, ગરીબો અને દરીદ્ર નારાયણ માટે પણ કામ કરી રહ્યું છે. કલ્યાણ ટ્રસ્ટ અને બી. જે. શાહ ટ્રસ્ટના નેજા હેઠળ જયેશભાઈ અને એમનુ પરિવાર અનેક સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સેવાઓ કરી રહ્યા છે. ન કોઈ પ્રચાર કે ન કોઈ દેખાડો, માત્ર સમાજના છેવાડે વસતા ગરીબોને મદદ કરીને એમની આંગળી પકડીને એમને ઉપર ઉઠાવવાની નિષ્કામ સેવા આ પરિવારને અનેરૂ સુખ આપે છે. સાચુ પુછો તો જેપી ગૃપની આ સેવાકીય પ્રવૃત્તિઓએ એને બીજા કોર્પોરેટ હાઉસીસથી અલગ પહેચાન આપી છે. જયેશભાઈની મહેનત અને હોશિયારીથી જેપી ગ્રુપની બિઝનેસ એક્ટિવિટી અને સોશિયલ વર્કની પ્રવૃત્તિઓ રોકેટિંગ ગતીએ આગળ વધી રહી છે પરંતુ એની પાછળનો પ્રેરણાસ્ત્રોત અને શક્તિ એમના ધર્મપત્ની ભારતીબેન છે. ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં ભારતીબેન સતત ગળાડૂબ રહે છે. એક નાનકડી ખોલકી જેવી રૂમમાંથી પિતાજી સાથે શરૂ કરેલી પ્રકાશન કામગીરીને આજે જેપી ગ્રુપ અને ગુડયુઝ એન્ટરપ્રાઇઝ જેવુ એમ્પાયર બનાવનારા જયેશભાઈને લોકો આદરપૂર્વક જોઈ રહ્યા છે પરંતુ એનો સૌથી મહત્વનો કોઈ પાયો હોય તો એ ભાઈ જયેશની હૃદયપૂર્વકની મહેનત અને કુનેહ છે. એમના પરિવાર અને પિતાજીના સંસ્કાર છે.

મહર્ષિ વેદ વ્યાસે હૃદયમાં ઉતારીને રાખવા જેવું એક સોનેરી વાક્ય કહ્યું છે કે, આળસ શરૂઆતમાં સુખદાયક લાગે પણ અંતે એ દુઃખદાયક નીવડે છે, જ્યારે પરિશ્રમની શરૂઆત ચોક્કસ દુઃખદાયક હોય પરંતુ અંત હંમેશા સુખમય બને છે. પ્રસિદ્ધ સર્જક જ્યોર્જ બર્નાડ શો કહેતા કે, નાનપણમાં એ જ્યારે કામ કરતા ત્યારે દસમાંથી નવ વાર નિષ્ફળ જતા પણ એમને નિષ્ફળતા મંજૂર ન હતી એટલે એ હંમેશા દસગણું વધારે જ કામ કરતા. યાદ રાખવા જેવી વાત એ છે કે, આજનો પુરુષાર્થ આવતીકાલનું સુવર્ણમય ભવિષ્ય છે. અદાણી, અંબાણી, ટાટા, બિરલા જેવા હજારો કરોડના કોર્પોરેટ હાઉસીસની સરખામણીમાં જેપી ગૃપ નાનુ જરૂર લાગે પણ જેપી ગૃપના જયેશ શાહની વાસ્તવિક કહાની આજના યુગમાં અનેક યુવાનો માટે પ્રેરણાદાયી પૃષ્ઠ છે.

ધબકાર :

‘આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું સારું.’ - ઇમર્સન

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article