શાળાઓમાં રજિસ્ટર અને લિવિંગ સર્ટિફિકેટમાં હવે વિદ્યાર્થીઓની અટક છેલ્લે લખાશે
- તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને કરાયો આદેશ,
- લિવિંગ સર્ટિફિકેટમાં પણ વિદ્યાર્થી અને વાલીના નામ બાદ છેલ્લે અટક લખાશે,
- શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કર્યો
અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે એક પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate - LC) અને શાળાના રજિસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ પાછળ અટક છેલ્લે લખવાની સુચના આપવામાં આવી છે. એટલે પ્રથમ વિદ્યાર્થીનું નામ ત્યારબાદ વાલીનું નામ અને પાછળ અટક લખાશે
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રનો હેતુ APAAR ID અને આધાર કાર્ડ સાથે વિદ્યાર્થીઓના નામનું મેપિંગ સરળ બનાવવાનો છે. અત્યાર સુધી, વિદ્યાર્થીઓના LC, રજિસ્ટર અને પરિણામ પત્રોમાં તેમની અટક પહેલા લખવામાં આવતી હતી. જ્યારે ડિજી લોકર અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ્સમાં નામ પહેલા અને અટક છેલ્લે હોય છે. આ વિસંગતતાને કારણે APAAR ID અને આધાર અપડેટની કામગીરીમાં મુશ્કેલીઓ આવતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે, શિક્ષણ વિભાગે આ નવો સુધારો લાગુ કર્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્રનું પાલન કરવા અને શાળાઓના રજિસ્ટરમાં જરૂરી સુધારા કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાનમાં, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તાત્કાલિક અસરથી આ નિયમનો અમલ કરવા શાળાઓને તાકીદ કરવામાં આવી છે. આ ફેરફારથી હવે વિદ્યાર્થીઓનું નામ, પિતાનું નામ અને માતાના નામ પછી તેમની અટક લખવામાં આવશે. આ નિર્ણયથી APAAR ID અને આધાર અપડેટ જેવી મહત્વની સરકારી પ્રક્રિયાઓ સરળ બનશે. આ પગલું ટેક્નોલોજી અને શૈક્ષણિક પ્રશાસન વચ્ચે સુસંગતતા લાવવામાં મદદ કરશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવા દસ્તાવેજોને લગતી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.